Business

ટ્રમ્પના એક નિર્ણયથી શેરબજારમાં ફરી ધૂમ તેજી, સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળો

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ તુફાની તેજી જોવા મળી. સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 78,800 વટાવી ગયો, જ્યારે નિફ્ટી 24,500 પાર કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધવિરામ અને મંત્રણાના સંકેતને કારણે બજારમાં આ તેજી આવી હતી. લાર્જકેપથી સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના એક નિર્ણયથી શેરબજારમાં ફરી ધૂમ તેજી, સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળો
IMAGE - IANS

Donald Trump Iran News: સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં તુફાની તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે ખૂલીને પળવારમાં 78,800ની મજબૂત સપાટી વટાવી ગયો હતો, તો સામે પક્ષે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ પાછલા બંધ સામે બુલંદ તેજી સાથે 24,500ના સ્તરને પાર કરી ગયો હતો. બજારમાં આ મજબૂત તેજી પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને લેવામાં આવેલો મોટો નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત

શેરબજારના કારોબારની શરૂઆતની વાત કરીએ તો, BSE સેન્સેક્સ તેના પાછલા શુક્રવારના બંધ 78,094ની સરખામણીએ 789 પોઇન્ટના ઉછાળા સાથે 78,883 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ 78,895ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી ઇન્ડેક્સ તેના પાછલા બંધ 24,383ની સામે જોરદાર તેજી સાથે 24,572ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

લાર્જકેપથી લઈને સ્મોલકેપ શેરોમાં ગ્રીન નિશાન

બજારની આ તેજીમાં વિવિધ કેટેગરીના શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો:

લાર્જકેપ શેરો: બજાર ખૂલતાની સાથે જ બજાજ ફાઇનાન્સ (3%), ઇન્ડિગો (2.90%), બજાજ ફિનસર્વ (2.70%) અને ITC (2%) વધીને કારોબાર કરી રહ્યા હતા.

મિડકેપ શેરો: અશોક લેલેન્ડ (2.95%), પેટીએમ (1.95%) અને સુઝલોન (1.90%) તેજી સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

સ્મોલકેપ શેરો: રેડિંગટન (4.90%), જીઇ શિપિંગ (4.20%) અને રિલાયન્સ પાવર (3.90%)ના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

શેરબજારમાં તેજીનું 'ટ્રમ્પ કનેક્શન'

શેરબજારમાં જોવા મળેલી આ મજબૂત તેજી પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ છે. ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવાના સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેહરાન સાથે સોમવાર બપોરથી જ મંત્રણાનો દોર શરૂ થઈ રહ્યો છે, જોકે તેમણે આ કરાર પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી નથી. હાલમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટ અને પ્રાદેશિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલાયા નથી, તેમ છતાં વધુ જાનમાલનું નુકસાન અટકાવવા માટે તેમણે રાજદ્વારી વાટાઘાટો અને કૂટનીતિને જ ઉત્તમ વિકલ્પ ગણાવ્યો છે.