Get The App

જાન્યુઆરીમાં દેશમાં વેપાર પ્રવૃત્તિ પ્રોત્સાહક રહી હોવાના સાંપડતા સંકેત

- વર્તમાન માસનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત ફલેશ પીએમઆઈ વધી ૫૯.૫૦ રહ્યો

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
જાન્યુઆરીમાં દેશમાં વેપાર પ્રવૃત્તિ પ્રોત્સાહક રહી હોવાના સાંપડતા સંકેત 1 - image

મુંબઈ : વર્તમાન મહિનાની દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીનું અંદાજિત માપ પૂરું પાડતા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ જાન્યુઆરીમાં વધી ૫૯.૫૦ રહ્યો છે જે ડિસેમ્બરમાં ૫૭.૮૦ જોવા મળ્યો હતો. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા મેન્યુફેકચરિંગ તથા સર્વિસ ક્ષેત્રના પ્રારંભિક સંયુકત પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ)માં બન્ને ક્ષેત્રની કામગીરી  લગભગ સરખી રહ્યાનું જોવા મળ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રની કામગીરીમાં વધારો થયો હોવા છતાં પીએમઆઈ ૨૦૨૫ની સરેરાશ કરતા નીચો રહેવા પામ્યો છે. ૨૦૨૫ના અંતે ગતિ થોડીઘણી ધીમી પડયા બાદ નવા ઓર્ડરની માત્રામાં ઝડપી વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઘરઆંગણેથી ઓર્ડરોમાં વધારો થયો છે.

કાચા માલના ખર્ચનું દબાણ પણ ઝડપથી વધ્યું છે. સેવા ક્ષેત્રની સરખામણીએ માલસામાનના ઉત્પાદન પેટેના કાચા માલના ખર્ચમાં વધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વર્તમાન મહિનામાં ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહકો તરફથી માગમાં વધારો થયો છે એટલું જ નહીં મજબૂત માર્કેટિંગ પ્રયાસોના લાભ થઈ રહ્યા છે. 

સેવા કરતા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. જો કે બન્ને ક્ષેત્રની કામગીરીમાં સુધારો થયો છે. 

વર્તમાન મહિનામાં વિદેશ ખાતેથી ઓર્ડરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં છેલ્લા ચાર મહિનાની સૌથી મજબૂત વૃદ્ધિ જોવા મળી હોવાનું રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.

એશિયા, ઓસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા, યુરોપ તથા મધ્ય પૂર્વના દેશો ખાતેથી ભારતની કંપનીઓને વધુ ઓર્ડર મળી રહ્યા છે, જે વેપાર વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે. 

ડિસેમ્બરમાં સ્થિર રહ્યા બાદ ખાનગી ક્ષેત્રમાં નવી ભરતી થઈ રહ્યાનું જોવા મળે છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ આવનારા મહિનાઓમાં મજબૂત વૃદ્ધિનો આશાવાદ ધરાવી રહી છે. આશાવાદ વધી ત્રણ મહિનાની ટોચે રહ્યો છે. 

સારી કાર્યક્ષમતા, મજબૂત માગ અને માર્કેટિગ પર આયોજિત ખર્ચ આવનારા મહિનાઓમાં વિકાસને ટેકો પૂરો પાડશે.