ઑક્ટોબરના પહેલા જ દિવસે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 319 પોઇન્ટનું ગાબડું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Stock Market : ભારતીય શેરબજારમાં ગત મહિનાના છેલ્લા વીક અને હવે ઑક્ટોબર મહિનાના પ્રથમ કારોબારી દિવસે જ રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયો છે. ગુરુવારે બપોરે 1 વાગ્યાના સુમારે શેરબજારમાં અચાનક આવેલી જોરદાર વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા.
બોમ્બ સ્ટોક એક્સચેન્જ(BSE)નો સેન્સેક્સ 950 પોઇન્ટથી વધુનો મસમોટો ગોથો ખાઈ ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી પણ 319 પોઇન્ટ તૂટી પડ્યો હતો. ઓટો ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ 3%થી વધુનું ગાબડું નોંધાયું હતું.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકાનું ગણિત
બજારની શરૂઆતથી જ સુસ્ત માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બપોરે 1 વાગ્યા પછી અચાનક ચોમેર વેચવાલીનું બુલડોઝર ફરી વળ્યું હતું:
BSE Sensex: અગાઉના બંધ 72,480ની સરખામણીએ ગાબડા સાથે 72,192ના મથાળે ખૂલ્યો હતો. બપોર સુધીમાં તે ગગડીને સીધો 71,527ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો, એટલે કે તેમાં 950 પોઇન્ટથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો.
NSE Nifty: અગાઉના 22,620ના બંધ સામે 22,543 પર ખૂલ્યા બાદ સેન્સેક્સની સાથે જ ગગડીને 22,301ના સ્તરે પહોંચી ગયો હતો.
ટાટા, મહીન્દ્રાથી લઈને મારૂતિ સુધીના શેર્સ ધોવાયા
બજારમાં સર્જાયેલી આ સુનામીમાં મોટા ગજાના તમામ શેર્સમાં કડાકો બોલાઈ ગયો હતો. લાર્જકેપ સેગમેન્ટમાં Maruti (4.45%), M&M (4.35%), Tata Steel (3.70%), ITC (2.90%), Adani Ports (2.74%), BEL (2.70%), Eternal (2.50%) અને HUL (2.45%) સુધી તૂટ્યા હતા. મિડકેપમાં Policy Bazarનો શેર 6.50% અને UPL 4.07% ગગડ્યો હતો. સ્મોલકેપમાં Sanseraનો શેર 6.80%ના ભારે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
કડાકા પાછળના 3 મુખ્ય કારણો
વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી (FII Outflow): યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર 30 સપ્ટેમ્બરના રોજ જ વિદેશી ફંડોએ 10,000 કરોડ રૂપિયાથી વધુની રોકડી કરી લીધી હતી.
રૂપિયાનું ધોવાણ: ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 95.98ના સ્તરે પહોંચી જતાં માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું.
ભયનો ગ્રાફ વધ્યો: શેરબજારમાં રોકાણકારોના ભયનો ગ્રાફ દર્શાવતો India VIX આંક આશરે 5% વધીને 14.13ના સ્તરે પહોંચી ગયો હતો.




