Business

ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં જોવાયેલો વધારો

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ અને અછતને કારણે જૂનમાં નવા વાહનોના વેચાણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ અને સીએનજી વાહનોનો હિસ્સો વધીને 40.35% થયો છે, જે વિક્રમી સપાટી છે. FADAના રિપોર્ટ મુજબ, ગ્રાહકો હવે ઓછા ખર્ચાળ ઇંધણવાળા વાહનો પસંદ કરી રહ્યા છે, જે એક નવો ટ્રેન્ડ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં જોવાયેલો વધારો

પેટ્રોલ-ડીઝલની અછત તથા ઊંચા ભાવની અસર
ઇલેક્ટ્રિક, હાઈબ્રિડ તથા સીએનજી ઊતારૂ વાહનોનો હિસ્સો જૂનમાં વધી ૪૦ ટકા રહ્યો
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધ ફાટી નીકળ્યા બાદ પેટ્રોલ -ડીઝલના ઊંચા ભાવ ઉપરાંત તેની અછત વર્તાવા લાગતા ભારતમાં નવા વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક, વાહનો, હાઈબ્રિડ તથા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) વાહનોની માગમાં વધારો થયાનું જૂન મહિનાના વાહનોના રિટેલ વેચાણ આંક જણાવે છે.
જૂનમાં વેચાયેલા ઊતારૂ વાહનોમાં પેટ્રોલ-ડીઝલ સિવાયના વાહનોનો હિસ્સો વિક્રમી સપાટીએ જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા જણાવે છે.
મેમાં વેચાયેલા ઊતારૂ વાહનોમાં ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ તથા સીએનજી વાહનોનો હિસ્સો જે ૩૮ ટકા હતો તે જૂનમાં વધી ૪૦.૩૫ ટકા રહ્યો છે. મેમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારાને કારણે વપરાશકારોએ ઓછા ખર્ચાળ એવા ફ્યુઅલ સાથેના વાહનો ખરીદવાનું પસંદ કર્યું હતું.
ગ્રાહકોનો આ ટ્રેન્ડ કામચલાઉ છે કે તેમાં બદલાવ આવ્યો છે તે જોવાનું રહેશે એમ ફાડાના પ્રમુખ સી. એસ. વિઘ્નેશ્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું.
વાહનોના એકંદર વેચાણમાં ગયા મહિને ૨૧.૮૦ ટકા વધારો થઈને ૨૫,૫૭,૨૩૪ એકમ રહ્યો છે. ઊતારૂ વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨૮.૬૦ ટકા વધી ૪,૧૦,૮૫૩ રહ્યું છે. ટ્રેકટર્સના વેચાણમાં ૨૫.૩૦ ટકા જ્યારે થ્રી વ્હીલર્સના વેચાણમાં ૧૬.૨૦ ટકા વધારો નોંધાયો છે
ઊતારૂ વાહનોના કુલ વેચાણમાં સીએનજીનો હિસ્સો ૨૪.૩૦ ટકા જ્યારે હાઈબ્રિડસ ૮.૩૦ ટકા અને વીજ વાહનનો હિસ્સો ૭.૮૦ ટકા રહ્યો છે. ટુ વ્હીલર્સના એકંદર વેચાણમાં ઈ-ટુ વ્હીલર્સનો હિસ્સો વધી ૧૦.૬૦ ટકા રહ્યો છે. ટુ વ્હીલર્સમાં ઈ-ટુ વ્હીલર્સનો હિસ્સો પહેલી જ વખત દ્વીઅંકમાં જોવા મળ્યો છે. ઈ-પેસેન્જર વ્હીકલ્સનો વેચાણ આંક ગત મહિને ૩૧૮૨૩ રહ્યો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.
યુદ્ધ હવે અટકી ગયું છે અને ક્રુડની પૂરવઠા ખલેલ હવે લગભગ પૂરી છે તેમ છતાં સ્થિતિ થાળે પડતા કેટલોક સમય લાગશે એમ વિઘ્નેશ્વરે વધુમાં જણાવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં ઊતારૂ વાહનોનું વેચાણ ૩૫ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૨૪.૫૦ ટકા વધ્યું છે.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વાહનોના વેચાણમાં વધારો થવાની ૬૬ ટકાથી વધુ ડીલરો અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે ચાર ટકા ડીલરો વેચાણમાં ઘટાડો જોવા મળવાની ધારણાં રાખી રહ્યા છે.