Business

ઓકટોબરમાં બેન્કો દ્વારા સેવા ક્ષેત્રને અપાતા ધિરાણનો વૃદ્ધિ દર મંદ પડીને 6.50 ટકા

By GS Team
30 Nov 20191 min read
This article was originally published on 30 Nov 2019
ઓકટોબરમાં બેન્કો દ્વારા સેવા ક્ષેત્રને અપાતા ધિરાણનો વૃદ્ધિ દર મંદ પડીને 6.50 ટકા

મુંબઈ, તા. 30 નવેમ્બર 2019, શનિવાર

પૂરા થયેલા ઓકટોબરમાં સેવા ક્ષેત્રને બેન્કોના ધિરાણનો વૃદ્ધિ દર મંદ પડીને વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકા રહ્યો છે. ગયા વર્ષના ઓકટોબરમાં સેવા ક્ષેત્રને બેન્કોના ધિરાણમાં ૨૭ ટકા વૃદ્ધિ જોવાઈ રહી હતી. નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી)ને બેન્કો દ્વારા ધિરાણમાં થયેલા ઘટાડાથી વૃદ્ધિ દર પર અસર પડી છે. 

બેન્કો સિવાયના ધિરાણદારોને લોન્સનો વૃદ્ધિ આંક ઓકટોબરમાં વાર્ષિક ધોરણે ૨૬.૮૦ ટકા રહ્યો છે જે ગયા વર્ષના ઓકટોબરમાં ૫૫.૬૦ ટકા રહ્યો હતો, એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. સેવા ક્ષેત્રને ધિરાણમાં વૃદ્ધિ મંદ પડી રહ્યાનું સપ્ટેમ્બરમાં જોવા મળ્યું હતું. સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રને ધિરાણનો વૃદ્ધિ દર ઘટીને ૭.૩૦ ટકા રહ્યો હતો જે ગયા વર્ષના ઓકટોબરમાં ૨૪ ટકા રહ્યો હતો. 

આ ઉપરાંત ઓકટોબરમાં નોન-ફૂડ ધિરાણ વૃદ્ધિનો દર વાર્ષિક ધોરણે ૮.૩૦ ટકા રહ્યો હતો. સેવા ક્ષેત્રને બાકી પડેલી બેન્ક લોન્સનો આંક ૨૫ ઓકટોબરના પૂરા થયેલા પખવાડિયામાં રૂપિયા ૨૩.૫૨ લાખ કરોડ રહ્યો હતો જે ૨૦૧૮ના ૨૬ ઓકટોબરના પખવાડિયામાં રૂપિયા ૨૨.૦૮ લાખ કરોડ હતો. 

ગયા વર્ષે બહાર આવેલા આઈએલએન્ડએફએસ પ્રકરણ બાદ એનબીએફસી  દ્વારા નાણાંભીડનો સામનો કરવાનો વારો આવ્યો છે. બેન્કો તરફથી ધિરાણ મંદ પડતા એનબીએફસીએ નાણાંના અન્ય સ્રોતો તરફ વળવું પડયું છે. બેન્કો નાણાં ધિરવામાં એકદમ સાવચેત બની ગઈ છે