ફુગાવો છ ટકાને પાર જતા સરકાર સફાળી જાગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાદ્ય પદાર્થ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓને અપાયેલા નિર્દેશનું પાલન કરવા સૂચના : કઠોળનો પૂરવઠો પ્રમાણસર હોવાથી ભાવ વધવાનું કારણ નહીં હોવાનો દાવો
મુંબઈ : દેશમાં ઓકટોબરનો ફુગાવો ખાસ કરીને ખાદ્ય પદાર્થનો ફુગાવો વધીને આવતા કેન્દ્ર સરકાર સફાળી જાગી ગઈ છે અને ખાદ્ય પદાર્થના ભાવમાં હજુ વધારો ન થાય તે માટે સખત પગલાં લેવાનું શરૂ કરી દીધુ હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.ખાદ્ય પદાર્થ ખાસ કરીને અનાજકઠોળના ટ્રેડરોને સંગ્રહખોરીથી દૂર રહેવા અને સ્ટોક લિમિટ તથા સ્ટોક બાબતે માહિતી પૂરી પાડવા અપાયેલી સૂચનાનું પાલન કરવા હિસ્સેદારોને નિર્દેશ આપવામાં આવી રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યુ હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીઓએ મોટી રિટેલ ચેઈન, પ્રોસેર્સ, આયાતકારો, સ્ટોકિસ્ટો તથા રિટેલરો સાથે સપ્તાહના અંતે બેઠક યોજી હતી.
તહેવારો સમાપ્ત થઈ ગયા છે અને માગ પણ ઘટી ગઈ છે ત્યારે ખાદ્ય પદાર્થના ભાવ વધવાનું કોઈ કારણ હવે રહ્યુ નહીં હોવાનું સરકાર તરફથી બેઠકમાં સ્પષ્ટ કરાયુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
ખાંડ ઉદ્યોગ માટે લાગુ કરાયેલી સ્ટોક મર્યાદાનું પાલન નહીં કરવા બદલ પગલાં લેવા ઉપરાંત બીજા સખત પગલાં લેવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવોને પરિણામે ભારતનો ઓકટોબરનો રિટેલ ફુગાવો વધીને ૬.૦૯ ટકા પહોંચી ગયો હતો, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ ટકાની મહત્તમ ટાર્ગેટ મર્યાદાથી ઊંચો છે.
ઓેકટોબરમાં સતત નવમાં મહિને ફુગાવો વધીને આવ્યો છે. રિટેલ ફુગાવો જે જાન્યુઆરીમાં ૨.૭૪ ટકા હતો તે ઓકટોબરમાં બમણા કરતા પણ ઊંચો રહ્યો છે. ખાદ્ય પદાર્થનો ફુગાવો જે સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા હતો તે ઓકટોબરમાં વધી ૮.૯૪ ટકા પહોંચી ગયો છે. સરકાર પાસે કઠોળનો હાલમાં પૂરતો બફર સ્ટોક છે એટલુ જ નહીં ખરીફ તથા રવી મોસમમાં કઠોળનું ઉત્પાદન સારુ રહેવાની અપેક્ષા હોવાનું પણ સરકાર તરફથી બેઠકમાં સ્પષ્ટ કરાયુ હતું.
સારો પૂરવઠો રહ્યો હોવા છતાં તહેવારો દરમિયાન ભાવમાં વધારો થયાનું સરકાર માની રહી છે. ભાવ વધારો ચાલુ રહેશે તો વધુ સ્ટોક લિમિટ લાગુ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું બેઠકમાં હાજર સુત્રોએ જણાવ્યુ હતું.
૨૦૨૬-૨૭ની ખરીફ મોસમમાં તુવેરનું ઉત્પાદન ૩૫.૯૦ લાખ ટન રહેવા સરકારનો અંદાજ છે જ્યારે ઉદ્યોગ દ્વારા ૨૫ લાખ ટનની ધારણાં મૂકવામાં આવી છે. નવા અડદની આવક પણ મંડીઓમાં સારી રહી હોવાનો સરકાર દાવો કરાઈ રહ્યો છે. ભારતમાં પીળા વટાણાની નિકાસને ઝડપી બનાવવા રશિયાની સરકારને વિનંતી કરવામાં આવી હોવાનું પણ બેઠકમાં માહિતી અપાઈ હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું. સંગ્રહખોરી પર નજર રાખવા દરેક રાજ્યોને પણ નિર્દેશ અપાયા છે.




