વર્તમાન ઓઈલ વર્ષમાં સોયા ઓઈલની આયાત વિક્રમી સપાટીએ પહોંચવા ધારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પામ, સનફલાવર તેલના ઊંચા ભાવથી સોયા ઓઈલની માંગ વધી
મુંબઈ : ૩૧ ઓકટોબરના સમાપ્ત થનારા વર્તમાન ૨૦૨૫-૨૬ ઓઈલ યરમાં દેશની સોયા ઓઈલની આયાત વધી વિક્રમી સપાટીએ પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. પામ તથા સનફલાવર ઓઈલના ઊંચા ભાવને પરિણામે દેશના તેલ રિફાઈનરોએ પ્રમાણમાં સસ્તા એવા સોયા ઓઈલની ખરીદીમાં વધારો કર્યો છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
ભારતની ખાદ્ય તેલની આયાતમાં સામાન્ય રીતે પામ ઓઈલનો હિસ્સો વધુ હોય છે પરંતુ ઊંચા ભાવને કારણે તેની આયાત વર્તમાન વર્ષમાં નીચી જોવા મળી રહી છે.
ગયા વર્ષની સરખામણીએ સોયા ઓઈલની આયાત ૪ ટકા જેટલી વધી ૫૭ લાખ ટન જેટલી વિક્રમી રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
વર્તમાન સંપૂર્ણ ઓઈલ યરમાં સોયા ઓઈલના ભાવ સનફલાવર ઓઈલ તથા પામ ઓઈલ સામે સ્પર્ધાત્મક બની રહ્યા છે. પામ ઓઈલની આયાત જે ગયા વર્ષે પાંચ વર્ષની નીચી સપાટીએ રહી હતી તે વધી ૮૦ લાખ ટન રહેવા જ્યારે સનફલાવરની આયાત ઘટી ૨૮.૫૦ લાખ ટન રહેવાનો અંદાજ છે.
વનસ્પતિ તેલની ૬૫ ટકા માગ ભારત આયાત દ્વારા પૂરી કરે છે.
ઈન્ડોનેશિયામાં બાયોડીઝલના વપરાશમાં વધારાથી પામ ઓઈલનો પૂરવઠો ઘટી ગયો છે અને ભાવ ઊંચકાયા છે જ્યારે સોયા ઓઈલનો પૂરવઠો ભરપૂર માત્રામાં છે અને ભાવ પણ પ્રમાણમાં નીચા છે, એમ ઉદ્યોગ સંસ્થા સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન ઓઈલ યરમાં ભારતની ખાદ્ય તેલની એકંદર આયાત સાધારણ વધી ૧.૬૫ કરોડ ટન રહેવાનો પણ અંદાજ મુકાયો છે.
માથાદીઠ આવકમાં વધારાને કારણે ખાદ્ય તેલની માગમા ંવધારો થયો છે, જ્યારે ઘરઆંગણે ઉત્પાદન સ્થિર જોવાઈ રહ્યું છે, જેને કારણે આયાત કરવાની ફરજ પડે છે. ભારતના ખાદ્ય તેલની આયાતમાં પામ ઓઈલનો હિસ્સો સતત બીજા વર્ષે ઘટી ૫૦ ટકાની અંદર જોવા મળવાની શકયતા છે.




