Get The App

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતાં રોકાણકારોમાં ફફડાટ

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતાં રોકાણકારોમાં ફફડાટ 1 - image


Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં 1.95 લાખનો કડાકો બોલી જતાં 1980નો રૅકોર્ડ તૂટી ગયો છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. જોકે કોઈને ખબર ન હતી કે, માત્ર 70થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે. માત્ર ચાર દિવસથી પણ ઓછા સમયમાં તેની કિંમતમાં 46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં કડાકો 1980થી પણ ભયંકર

તાજેતરમાં ચાંદીના ભાવમાં 1.95 લાખના કડાકોએ 1980ની યાદ અપાવી દીધી છે. તે વખતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમતો જબરદસ્ત ધરાશાઈ થઈ હતી. તે વખતે ચાંદીની કિંમતો માત્ર પાંચ મહિનામાં ટોચ પરથી 70 ટકા નીચે પછડાઈ હતી. તાજેતરમાં ભાવ 46 ટકાથી વધુ નીચે આવી ગયો છે, ત્યારે આવી સ્થિતિ 1980માં પણ જોવા મળી નથી.

ચાંદીનો ભાવ 1.25 લાખ થઈ જશે?

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, આખરે ચાંદીની કિંમતો કેટલી ઘટી જશે? શું ચાંદીનો ભાવ 1980ની જેમ 70 ટકા ઘટી જશે? જો આવું થશે તો ચાંદીનો ભાવ 1.25 લાખ રૂપિયા પર આવવાની સંભાવના છે, જ્યારે બીજીતરફ આવું થવું પણ મુશ્કેલ છે. નિષ્ણાતોના મતે, ચાંદીની કિંમતો 2 લાખની નીચે આવી જવાના ચાર મુખ્ય કારણો છે.

(1) ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં વધારો

(2) ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો

(3) ડૉલર ઇન્ડેક્સમાં વધારો થવો

(4) વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવવી

આજે ચાંદીના ભાવમાં 41,000ની ઉથલ-પાથલ

ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ ઘટાડો થયો છે. MCX પર બપોરે 4.30 કલાકે ભાવ 2.50 લાખ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે ભાવ 2,65,652 લાખ પર બંધ થયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 2,67,501 પર પહોંચીને નીચે રૂપિયા 2,25,805 પર નોંધાયો છે. એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા 41,696ની ઉથલ-પાથલ જોવા મળી છે.

ભાવ કેમ ગગડ્યા ?

જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ-સિલ્વર રેશિયો છે. વર્તમાન સમયમાં રેશિયો 61ના લેવલની પાર પહોંચી ગયો છે. જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે. રેશિયો 70ના લેવલ પર જવાની સંભાવના છે. જો થોડા દિવસોમાં આવું થશે તો MCX પર ચાંદીની કિંમતો બે લાખ રૂપિયાની નીચે આવી શકે છે. ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે, સામાન્ય લોકોએ વ્યાજ દરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. ત્યારે આની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે. જો તે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે.