Business

નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા

By GS TEAM
5 Nov 20252 mins read
નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા

મુંબઈ : અમેરિકામાં ડોલર ઈન્ડેકસ ૧૦૦ના સ્તરે જળવાઈ રહેતા સોનામાં પણ મક્કમતા જોવા મળી હતી. અમેરિકામાં  બુધવારે સાંજે રોજગારના આંકડા જાહેર થવા પહેલા સોનાના ભાવ નીચામાં ૩૯૩૦  ડોલર અને ઉપરમાં ૩૯૮૭ ડોલર વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. સોના પાછળ ચાંદી તથા અન્ય કિંમતી ધાતુ પણ હાલમાં ઊંચા મથાળે ટકેલી જોવા મળી રહી છે. ઘરઆંગણે ગુરુ નાનક જયંતિ નિમિત્તે મુંબઈ બુલિયન માર્કેટ આજે બંધ રહી હતી. અમદાવાદ બજારમાં ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. કઝાખસ્તાનમાં  ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે વૈશ્વિક ક્રુડ તેલમાં ભાવ વધુ ઘટતા અટકયા હતા. 

ગુરુ નાનક જયંતિ નિમિત્તે મુંબઈ બુલિયન બજાર બુધવારે સત્તાવાર બંધ રહ્યું હતુ. બંધ બજારે ખાનગીમાં ભાવ લગભગ સ્થિર બોલાતા હતા. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૯,૮૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૧૯,૩૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ ખાનગીમાં રૂપિયા ૧,૪૬,૦૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૩,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૩,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૪૯,૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૯૭૧ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૭.૭૩ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ  ઔંસ દીઠ ૧૫૪૬ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૧૫ ડોલર બોલાતી હતી. ડોલર ઈન્ડેકસ ૧૦૦ના સ્તરની ઉપર ટકી રહેતા સોનાના ભાવ પણ વર્તમાન સ્તરે મક્કમ જોવા મળી રહ્યા છે. નવા ટ્રીગરના અભાવે ફન્ડ હાઉસો હાલમાં ડોલર અને સોના વચ્ચે સમતુલિત અભિગમ ધરાવી રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન સપ્ટેમ્બરની સરખામણીએ ઓકટોબરમાં કઝાખસ્તાનમાં ક્રુડ તેલનું ઉત્પાદન ૧૦ ટકા ઘટયું હોવાના અહેવાલે ભાવ વધુ ઘટતા અટકયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૩૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪.૨૪ડોલર બોલાતું હતું.