ક્લોઝિંગ ઓક્શન સેશન માટે સેબી ટૂંકમાં નવું માળખું જાહેર કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેબીને તેના કન્સલ્ટેશન પેપર અંગે ૩૫૦૦થી વધુ સૂચનો અને પ્રતિભાવો મળ્યા
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ટૂંક સમયમાં પ્રસ્તાવિત ક્લોઝિંગ ઓકશન સેશન (સીએએસ) મિકેનિઝમમાં ફેરફારો અંગેનું માળખું જાહેર કરશે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે, સેબીને તેના કન્સલ્ટેશન પેપર અંગે ૩૫૦૦થી વધુ સૂચનો અને પ્રતિભાવો મળ્યા છે.
સેબીએ સીએએસ, ટ્રેડિંગ સમય અને ડેરિવેટિવ કોન્ટ્રાક્ટસના સેટમેન્ટની પદ્વતિ અંગે કેટલાક ફેરફારો કરવા માટે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા. આ અંગે પ્રતિભાવો આપવા માટેની અંતિમ તારીખ ૩, ઓકટોબર હતી. અંતિમ માળખું અથવા સર્કયુલર ક્યારે જાહેર થશે તે અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સેબી મળેલા પ્રતિભાવોનું ઝડપથી પરીક્ષણ કરશે અને આગળની પ્રક્રિયા હાથ ધરશે.
કોમોડિટી એન્ડ કેપિટલ માર્કેટ્સ પાર્ટિસિપન્ટસ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીપીએઆઈ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પાંડેએ જણાવ્યું હતું કે, આજે અંતિમ તારીખ છે અને સેબી આ તમામ સૂચનોને ઝડપથી જોશે અને આગળની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે તેમણે કહ્યું કે, કન્સલ્ટેશન પેપરના પ્રસ્તાવો સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હોવાથી મળેલા પ્રતિભાવોનું સંકલન અને વિશ્લેષણ કરવામાં સેબીને વધારે સમય લાગશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સેબીએ સપ્ટેમ્બરમાં ક્લોઝિંગ ઓક્શન સેશનના નવા માળખામાં ફેરફાર અને એક્સપાયરીના દિવસે ઈન્ડેક્સ તથા સ્ટોક ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ ભાવ નક્કી કરવાની પદ્વતિમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સમીક્ષા ઈક્વિટી કેશ સેગ્મેન્ટમાં સીએએસ લાગુ કર્યા બાદ કરવામાં આવી રહી છે. સીએએસના કારણે ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ ભાવ પર પડતી અસર અંગે બજારના વિવિધ વર્ગોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સીએએસનો મુખ્ય હેતુ ઓક્શન પ્રક્રિયા દ્વારા શેરના ક્લોઝિંગ ભાવ નક્કી કરવાનો છે.




