Business

SBI બૅંક 5 દિવસ બંધ રહેશે, જાણો શું છે કારણ, જરૂરી કામકાજ પતાવી લેવા ભલામણ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
SBI ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંક શાખાઓ સતત 5 દિવસ બંધ રહેશે. 28થી 30 સપ્ટેમ્બર UFBUની દેશવ્યાપી હડતાળ અને તે પહેલાં ચોથો શનિવાર-રવિવારની રજાને કારણે આ સ્થિતિ સર્જાશે. SBIએ ગ્રાહકોને સમયસર કામકાજ પતાવવા અને ATM, YONO, UPI જેવા ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SBI બૅંક 5 દિવસ બંધ રહેશે, જાણો શું છે કારણ, જરૂરી કામકાજ પતાવી લેવા ભલામણ

SBI Branches Closed Five Days: ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકો માટે આવતા અઠવાડિયે બેંકિંગ કામકાજને લઈને સાવચેત રહેવું જરૂરી બનશે, કારણ કે બેંક શાખાઓ સતત 5 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ શરૂ થાય તે પહેલાં જ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર આવતો હોવાથી વીકેન્ડ પર પણ બેંકોમાં રજા રહેશે. આ રીતે 26 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ શાખા સ્તરે સામાન્ય કામકાજ પ્રભાવિત રહેશે.

ગ્રાહકો માટે બેંકે જારી કરી સત્તાવાર એડવાઇઝરી

શાખાઓ બંધ રહેવાના કારણે ખાતેદારોને અગવડ ન પડે તે માટે SBI એ સમયસર તમામ મહત્ત્વપૂર્ણ આર્થિક વ્યવહારો પૂર્ણ કરી લેવાની અપીલ કરી છે. બેંક દ્વારા જારી કરાયેલી સત્તાવાર ગ્રાહક સલાહમાં જણાવાયું છે:

"કૃપા કરીને નોંધ લેશો કે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ 28 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસીય હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે અમે હડતાળ દરમિયાન આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, તેમ છતાં ગ્રાહકોને વિનંતી છે કે તેઓ હડતાળની તારીખો પહેલાં જ પોતાના મહત્ત્વપૂર્ણ બેંકિંગ વ્યવહારો અગાઉથી પૂરા કરી લે."

રોકડ અને અન્ય વ્યવહારો માટે ડિજિટલ વિકલ્પોની વ્યવસ્થા

હડતાળ દરમિયાન શાખાઓમાં કામકાજ અટકે ત્યારે ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે બેંકે વૈકલ્પિક સુવિધાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. રોકડ જરૂરિયાતો માટે એટીએમ (ATM) અને ઓટો ડેબિટ એન્ડ વિડ્રોઅલ મશીનો (ADWM) કાર્યરત રહેશે. આ સિવાય ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાહક સેવા કેન્દ્રો (CSPs) મારફતે પણ પાયાની સેવાઓ મેળવી શકાશે.

ડિજિટલ પ્લેટફોર્મ્સને પ્રાથમિકતા આપવા વિનંતી

બેંકે સ્પષ્ટ કર્યું છે કે શાખાઓનું ભૌતિક કામકાજ બંધ રહેવા છતાં ઓનલાઇન સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રહેશે. ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ, યોનો (YONO) એપ, મોબાઇલ બેંકિંગ, યુપીઆઇ (UPI) અને અન્ય ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કરાયું છે, જેથી ફંડ ટ્રાન્સફર કે બિલ પેમેન્ટ જેવા રોજિંદા નાણાકીય કામોમાં કોઈ અડચણ ન આવે.