Business

રિટેલ ટ્રેડરોએ રૂ.૯૧૬૮૫ કરોડ ગુમાવ્યા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: શેરબજારમાં ડેરિવેટિવ્સ વેપારમાં રિટેલ ટ્રેડરોને થતા નુકસાનને અટકાવવા SEBIના કડક નિયમો છતાં, નાણાકીય વર્ષ 2026માં રિટેલ ટ્રેડરોએ F&O વેપારમાં 91685 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી. 10માંથી 9 ટ્રેડરો નાણાં ગુમાવે છે, છતાં ડેરિવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સમાં રિટેલ ટ્રેડરોનો હિસ્સો 31% છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિટેલ ટ્રેડરોએ રૂ.૯૧૬૮૫ કરોડ ગુમાવ્યા

ડેરિવેટિવ્સ વેપાર પર અંકૂશ અસર વિહોણો
ડેરિવેટિવ્સ કોન્ટ્રેકટસમાં એકંદર વેપારમાં ૩૧ ટકા હિસ્સો રિટેલ ટ્રેડરોનો
મુંબઈ : ભારતીય શેરબજારમાં ફોરવર્ડ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) ના વેપારમાં ખુંવાર થતા સટોડિયા ખાસ કરીને યુવા ટ્રેડરોને નુકસાન કરતા અટકાવવા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા સખત નિયમનકારી ધોરણો લાગુ કરાયા હોવા છતાં નાણાં વર્ષ ૨૦૨૬માં રિટેલ ટ્રેડરોએ એફએન્ડઓ વેપારમાં રૂપિયા ૯૧૬૮૫ કરોડનું નુકસાન કર્યું હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું. ડેરિવેટિવ્સ કોન્ટ્રેકટસમાં એકંદર વેપારમાં રિટેલ ટ્રેડરોનો હિસ્સો પણ ઊંચો જોવા મળી રહ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૫માં કરાયેલા રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનના નુકસાનની સરખામણીએ ગત નાણાં વર્ષનું નુકસાન સાધારણ નીચુ છે.
ટ્રેડરોની સંખ્યા પણ ૯૮ લાખ પરથી ઘટી ૮૦ લાખ પર આવી ગઈ હતી, એમ નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
દર ૧૦માંથી ૯ ટ્રેડરો ડેરિવેટિવ્સ વેપારમાં નાણાં ગુમાવતા હોવાનું સેબીને જણાતા તેણે નિયમનકારી ધોરણોને સખત બનાવ્યા હતા.
આમ ટ્રેડરો દ્વારા નુકસાનીના ઊંચા આંક નિયમનકારી પગલાં ટૂંકા પડતા હોવાનું સૂચવે છે.
ઓપ્શન્સમાં સહભાગ ઘટાડવા સેબીએ કોન્ટ્રેકટસના કદમાં વધારો કર્યો છે, પોઝિશન લિમિટ સખત બનાવી છે તથા સલામતિના અન્ય પગલાં લાગુ કર્યા છે.
આ ઉપરાંત રિઝર્વ બેન્કે પણ પ્રોપ્રાઈટરી ટ્રેડરો તથા સ્ટોક બ્રોકરોને ફન્ડિંગના નિયમો સખત બનાવ્યા છે.
સખત ફન્ડિંગ ધોરણોને કારણે એનએસઈ પર એફએન્ડઓમાં સરેરાશ દૈનિક ટર્નઓવર જૂનની સરખામણીએ જુલાઈમાં ૨૩ ટકા ઘટી રૂપિયા ૨૧૪ ટ્રિલિયન પર આવી ગયું છે.
વધુ પડતી સટ્ટાખોરીને અટકાવવા સેબી ડેટા આધારિત સમતુલિત પગલાં લેશે એમ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ અગાઉ જણાવ્યું હતું.
અંકૂશાત્મક પગલાં છતાં રિટેલ ટ્રેડરોનો ઈક્વિટી ડેરિવેટિવ્સમાં પ્રભાવ ઓછો થયો નથી. ડેરિવેટિવ્સ કોન્ટ્રેકટસમાં એકંદર વેપારમાં ૩૧ ટકા રિટેલ ટ્રેડરોનો હિસ્સો છે. શેરબજારમાં વાયદાનો વેપાર ઝડપી રીતે નાણાં કમાઈ લેવાનો એક સરળ માર્ગ છે.