Business

રેપો રેટ યથાવત, લોનના EMI નહીં વધે

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં RBIની MPC બેઠકમાં રેપો રેટ 5.25% યથાવત રાખવામાં આવ્યો. સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન થતાં લોનના EMI નહીં વધે. ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ઘટાડી 5% કરાયો, જ્યારે GDP વૃદ્ધિ દર 6.60% થી વધારી 6.70% કરાયો. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, ખાદ્ય અને ઇંધણના ભાવને કારણે ફુગાવો વધી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેપો રેટ યથાવત, લોનના EMI નહીં વધે

વર્તમાન નાણાં વર્ષ માટેનો જીડીપી અંદાજ વધારાયો જ્યારે ફુગાવાની ધારણા ઘટાડાઈ
વ્યાજ દરમાં વધારા બાબતે કોઈ સંકેત ન અપાયો: ખાદ્ય પદાર્થ તથા ઈંધણના ભાવને કારણે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ફુગાવામાં વધવાની સંભાવના
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે આજે અપેક્ષા પ્રમાણે જ ૫.૨૫ ટકા રેપો રેટ જાળવી રાખ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ માટેના ફુગાવાના અંદાજમાં સહેજ ઘટાડો કરાયો હતો જ્યારે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારવામાં આવ્યો હતો. એમપીસીએ નાણાં નીતિનું ન્યુટ્રલ સ્ટાન્સ જાળવી રાખ્યું હતું. રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. સતત ત્રીજી વખત રેપો રેટ યથાવત રખાયો છે. વ્યાજ દર જાળવી રખાતા લોનના દર નહીં વધે અને ઈએમઆઈમાં પણ વધારો નહીં થાય. વ્યાજ દરમાં વધારા બાબતે પણ કોઈ સંકેત અપાયા નહોતા.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને ક્રુડ ઓઈલના ભાવમાં સતત વોલેટિલિટી જોવા મળી રહી છે.
મુખ્ય ફુગાવો થોડાક સમયથી અંકૂશમાં છે, પરંતુ ટૂંકા ગાળે તેમાં વધારો થવાની શકયતા છે. ખાદ્ય પદાર્થ તથા ઈંધણના ભાવને કારણે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ફુગાવામાં વધારો થવા સંભવ છે અને ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે.
બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઘરેલું માગ, ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં વિસ્તરણ અને મજબૂત નિકાસ કામગીરી દ્વારા આર્થિક વિકાસને ટેકો મળી રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૬૦ ટકા પરથી સહેજ વધારી ૬.૭૦ ટકા કરાયો છે.
અનિશ્ચિત વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહી છે. જો કે આર્થિક વિકાસ સામે આ અનિશ્ચિતતાનું જોખમ તોળાઈ રહ્યું હોવાની પણ ગવર્નરે ચેતવણી ઉચ્ચારી હતી.
ચોમાસા પર અલ નિનોની અસર એક મોટુ જોખમ છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવ ભારે વોલેટાઈલ જોવા મળી રહ્યા છે, આને કારણે ફુગાવાનું ટૂંકા ગાળાનું આઉટલુક ધૂંધળુ જણાઈ રહ્યું છે. જો કે રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ ૫.૧૦ ટકા પરથી સાધારણ ઘટાડી ૫ ટકા કર્યો છે.
પૂરવઠા બાજુના સક્રિય પગલાં અને અનાજના પૂરતા સ્ટોકને કારણે કેટલીક રાહત જોવા મળી રહી છે. જૂનમાં ફુગાવો રિઝર્વ બેન્કના ૪ ટકાના ટાર્ગેટને પાર કરી ૪.૪૦ ટકા રહ્યો હતો.
વ્યાજ દર મહત્વના પાસાં પર રિઝર્વ બેન્કના હવે પછીના નિર્ણયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર રહેશે અને રિઝર્વ બેન્કનું મુખ્ય ધ્યાન ફુગાવાને ચાર ટકાના ટાર્ગેટ પર સીમિત રાખવા પર રહેશે એમ ગવર્નરે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
દરમિયાન રિઝર્વ બેન્કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દર પાંચ ટકા જાળવી રાખ્યો હતો અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દર ૫.૫૦ ટકા ચાલુ રખાયો છે.રેપો રેટ યથાવત રખાતા હોમ સહિતની વિવિધ લોન પરના દરમાં અને ઈએમઆઈમાં વધારો નહીં થાય એમ એક બેન્કરે જણાવ્યું હતું.
આરબીઆઈની નાણાં નીતિના મુખ્ય મુદ્દા

  • બેન્ચમાર્ક ધિરાણ દર સતત ત્રીજી વખત ૫.૨૫ ટકા જાળવી રખાયો.
  • વર્તમાન નાણા ંવર્ષ માટે ફુગાવાનો અંદાજ ૫.૧૦ ટકા પરથી ઘટાડી પાંચ ટકા કરાયો.
  • આર્થિક વિકાસ દર (જીડીપી) ધારણાં ૬.૬૦ ટકા પરથી વધારી ૬.૭૦ ટકા કરાઈ.
  • સતત વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહી.
  • ૩૧ જુલાઈના સપ્તાહના અંતે ફોરેકસ રિઝર્વ ૧૦.૫૦ અબજ ડોલર વધી ૬૯૨.૯૦ અબજ ડોલર સાથે ત્રણ મહિનાની ટોચે પહોંચ્યું