Business

અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરે તેવા અહેવાલોને પગલે આઇટી શેરોમાં ઘટાડો

By GS Team
22 Nov 20192 mins read
This article was originally published on 22 Nov 2019
અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરે તેવા અહેવાલોને પગલે આઇટી શેરોમાં ઘટાડો

મુંબઇ, તા. 22 નવેમ્બર 2019, શુક્રવાર

અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરે તેવા અહેવાલો ને પગલે આઇટી સેક્ટરમાં ઉથલપાથલ અને વેપાર યુદ્ધ અંગે ચીનના પ્રમુખના નિવેદનને પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિવસના અંતે સેન્સેકસ ૨૧૫.૭૪ પોઇન્ટ એટલે કે ૦.૫૩ ટકા ઘટીને ૪૦,૩૬૦ પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આવી જ રીતે નિફટી ૫૪ પોઇન્ટ એટલે કે ૦.૪૫ ટકા ઘટાડા સાથે ૧૧,૯૧૫ પોઇન્ટના  સ્તરે બંધ રહી હતી. આ સતત બીજો દિવસ છે જ્યારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો છે. 

શુક્રવારે આઇટી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યોે છે. બીએસઇ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો દિવસના અંતે ઇન્ફોસિસના શેર ૨.૮૯ ટકા ઘટીને ૬૯૩.૧૫ રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. આવી જ રીતે ટીસીએસ ૨.૨૦ ટકા ઘટી ૨૦૭૦.૫૫ રૂપિયાના ભાવે બધ રહ્યો હતો. 

વિપ્રોનો શેર ૧.૮૨ ટકા ઘટીને ૨૪૩.૦૫ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટી સેક્ટરના શેરોમાં ઘટાડાનું કારણ અમેરિકા વર્ક વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરે તેવા અહેવાલો છે. 

મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન વહીવટી તંત્ર પ્રવાસીઓ માટેના વર્ક વિઝામાં ફેરફાર કરી શકે છે. જો આમ થશે તો તેની અસર ભારતીય આઇટી પ્રોફેશનલ પર જોવા મળશે. 

આ દરમિયાન અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગે પણ ચીનના પ્રમુખ જિનપિંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તે અમેરિકા સાથે વેપાર સમજૂતી પર કાર્ય કરવા માગે છે પણ કોઇ પણ પ્રકારનો સંઘર્ષ થશે તો તે તે માટે પણ તૈયાર છે.