Business

H1માં વીમા કંપનીઓ તથા NPSનું ઈક્વિટીમાં વિક્રમી રોકાણ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય રિટેલ રોકાણકારોનો ઈક્વિટીમાં વિશ્વાસ અડીખમ રહ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ 6 મહિનામાં વીમા કંપનીઓ અને NPS એ સંયુક્ત રીતે ₹88,852 કરોડનું વિક્રમી રોકાણ કર્યું છે. મુંબઈના બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો છતાં, રિટેલ રોકાણકારોએ ₹57,203 કરોડનું રોકાણ કરીને સ્થાનિક બજારને મજબૂત ટેકો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

H1માં વીમા કંપનીઓ તથા NPSનું ઈક્વિટીમાં વિક્રમી રોકાણ

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશના રિટેલ રોકાણકારોનો ઈક્વિટીમાં વિશ્વાસ જળવાયો
મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વીમા કંપનીઓ તથા નેશનલ પેન્શન સિસ્ટમ્સ (એનપીએસ) ભારતીય ઈક્વિટીસમાં લિક્વિડીટી ઠાલવવામાં અગ્રેસર રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ રિટેલ રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યાનું જોવા મળે છે.
વીમા કંપનીઓ તથા એનપીએસે સંયુકત રીતે ભારતીય ઈક્વિટીઝમાં વિક્રમી રકમ ઠાલવી છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ના ગાળામાં વીમા કંપનીઓએ રૂપિયા ૪૫૯૨૯ કરોડ જ્યારે એનપીએસ દ્વારા રૂપિયા ૪૨૯૨૨ કરોડની ઈક્વિટી ખરીદવામાં આવી છે. બન્નેનો સંયુકત આંક પ્રથમ છ મહિનામાં રૂપિયા ૮૮૮૫૨ કરોડ રહ્યો હોવાનું પ્રાપ્તે ડેટા જણાવે છે.
૨૦૨૫ના વર્ષમાં પણ આ સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં મજબૂત ખરીદી રહી હતી જે વર્તમાન વર્ષમાં ચાલુ હોવાનું જોવા મળે છે.
વીમા કંપનીઓમાં પ્રીમિયમ્સ મારફતની જંગી આવક તથા એેનપીએસમાં લાંબા ગાળાના અને નિયમિત ફાળાને પરિણામે ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટસ ચાલુ રહ્યું છે, એમ એક રિસર્ચ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
એનપીએસમાં ખાતેદારોના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં સેન્સેકસમાં ૧૦ ટકા અને નિફટીમાં ૮.૬૬ ટકા ઘટાડો નોંધાયો છે. વેપાર તાણ, પશ્ચિમ એશિયા યુદ્ધ તથા ઊંચા મૂલ્યાંકનોને પરિણામે વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસમાં વ્યાપક વોલેટિલિટી જોવા મળી રહી છે.
ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ઈક્વિટીસમાં નાણાં ઠાલવી રહ્યા છે જ્યારે વિદેશી રોકાણકારોએ ૨૦૨૬માં અત્યારસુધીમાં ૨૯ અબજ ડોલરની ઈક્વિટીનું વેચાણ કર્યું છે. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૪.૬૪ લાખ કરોડની ખરીદી રહી છે.
રિટેલ રોકાણકારો પણ ઈન્વેસ્ટમેન્ટમાં આક્રમક રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં રૂપિયા ૧૮૮૪ કરોડની સરખામણીએ વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં રિટેલ ઈન્વેસ્ટમેન્ટસનો આંક રૂપિયા ૫૭૨૦૩ કરોડ રહ્યો છે.
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ રિટેલ રોકાણકારોનો દેશની ઈક્વિટીસમાં વિશ્વાસ જળવાઈ રહ્યો છે. અન્ય રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીસમાં ઊંચા વળતર મળી રહેતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી રિટેલ રોકાણકારોનું ઈક્વિટીસમાં આકર્ષણ જળવાઈ રહ્યું છે.
ગયા વર્ષે સોનાચાંદીના ઊંચા ભાવ બાદ તેમાં વર્તમાન વર્ષમાં થયેલી પીછેહઠથી રોકાણકારો ઈક્વિટીસ તરફ વળ્યા છે.