Business

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં RBIએ મુંબઈની મોગાવીરા કો-ઓપરેટિવ બેન્કની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. RBI દ્વારા કોઈ સહકારી બેન્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ મે મહિનામાં પણ એક સહકારી બેન્કનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે

Image Source: Twitter

RBI's Big Action: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં RBIએ મુંબઈની મોગાવીરા કો-ઓપરેટિવ બેન્કની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. RBI દ્વારા કોઈ સહકારી બેન્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ મે મહિનામાં પણ એક સહકારી બેન્કનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

મોગાવીરા સહકારી બેન્ક પર શું કાર્યવાહી?

મોગાવીરા સહકારી બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હેઠળ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાની મહત્તમ મર્યાદા 1 લાખ નક્કી કરવામાં આવી છે. આ પ્રતિબંધો 12 જૂનના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી જ લાગુ થઈ ગયા છે, જે આગામી છ મહિનાના સમયગાળા માટે અમલી રહેશે. જો કે, તેની સમય-સમય પર સમીક્ષા કરવામાં આવશે.

બેન્ક શું-શું નહીં કરી શકશે?

RBIએ કહ્યું કે, આ સહકારી બેન્ક હવે કોઈપણ નવા લોન અને ધિરાણને મંજૂરી આપી શકશે નહીં, તેમજ હાલની લોનને રિન્યૂ પણ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેન્ક કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં કે નવી જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં. બેંક દ્વારા નવા નાણાં ઉછીના લેવા કે નવી ડિપોઝિટ સ્વીકારવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોઈપણ જમાકર્તાને તેના બચત, ચાલુ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી મહત્તમ 1 લાખ સુધીની રકમ જ ઉપાડવાની જ મંજૂરી આપે.

ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું કે, બેન્કની કામગીરીમાં સુધાર લાવવા માટે તેઓ સતત તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં હતા. આમ છતાં, બેન્કે મોનિટરિંગ સંબંધિત ચિંતાઓને દૂર કરવા કે ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે કોઈ ઠોસ પ્રયાસ ન કર્યા. આ જ કારણોસર આ પ્રકારના નિર્દેશો જારી કરવા અનિવાર્ય બન્યા છે.

RBIએ આ બેન્કનું લાયસન્સ રદ કર્યું

તમને જણાવી દઈએ કે, ગત મહિને ભારતીય રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના ફલટન સ્થિત 'ધ યશવંત સહકારી બેન્ક' પાસે પૂરતી મૂડી અને ભવિષ્યમાં આવક મેળવવાની સંભાવનાઓનો અભાવના આધારે લાયસન્સ રદ કરી દીધુ હતું. આ સહકારી બેન્ક બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને હાલની નાણાકીય સ્થિતિમાં તે તેના ગ્રાહકોને તેમની સંપૂર્ણ રકમ પરત કરવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો: રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું..., યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ

આ સાથે જ RBIએ મહારાષ્ટ્રના સહકાર કમિશનર અને રજિસ્ટ્રારને બેન્કને બંધ કરવા તેમજ લિક્વિડેટર (પરિસમાપક) નિયુક્ત કરવા વિનંતી કરી છે. RBIએ કહ્યું છે કે, બેન્ક બંધ થવાની પ્રક્રિયા (લિક્વિડેશન) દરમિયાન બેન્કના ગ્રાહકોને ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ મહત્તમ 5 લાખ સુધીની વીમા રકમ મળશે. RBIના જણાવ્યા પ્રમાણે બેન્કના 99.02% ગ્રાહકો તેમની સંપૂર્ણ જમા રકમ પરત મેળવવા માટે પાત્ર છે.