Business

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો

By GS TEAM
22 Aug 20252 mins read
અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો

મુંબઈ : અમેરિકામાં ફુગાવા  અને લેબર માર્કેટને લઈને અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિના સભ્યો ચિંતીત હોવાના ફેડરલ રિઝર્વની જુલાઈની મીટિંગની બુધવારે જારી થયેલી મિનિટસ પરથી નીકળેલા તારણ બાદ કિંમતી ધાતુમાં નીચા મથાળેથી રિબાઉન્ડ જોવા મળ્યું હતું. 

અમેરિકન ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દર નહીં ઘટાડે એવું માનવાવાળાની સંખ્યા વધી રહી છે. કથિત મોર્ગેજ ગેરરીતિને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ગવર્નર લીસા કુકને રાજિનામા માટે દબાણ કરતા ફેડરલ રિઝર્વની સ્વતંત્રતાને લઈને પણ પ્રશ્ન ઊભો થયો છે.

ટ્રમ્પના નિર્દેશ બાદ ડોલરમાં  પ્રારંભમાં પીછેહઠ જોવા મળી હતી. વિદેશ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન મડાગાંઠ નહીં ઉકેલાતા  ક્રુડ તેલમાં મક્કમતા જળવાઈ રહી હતી.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ વધી  રૂપિયા ૯૯૧૪૭ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૮૭૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૨૬૯૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૮૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૨૫૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૩૫૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૪૫ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૩૮ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૦૭ ડોલર મુકાતુ હતું. અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ મીટિંગની મિનિટસ પરથી સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં આવે તેવી ધારણાં મજબૂત બનતા સોનાચાંદીમાં મક્કમતા જોવા મળી રહી છે. 

અમેરિકામાં માગમાં વધારો અને યુક્રેન-રશિયા યુદ્ધવિરામને લઈને અનિશ્ચિતતાને પગલે ક્રુડ તેલ વધી બે સપ્તાહની ઊંચી સપાટીએ બોલાતું હતું. પુતિન સાથે વાતચીત કરવા પહેલા યુક્રેને સિકયુરિટીની ખાતરી માગી છે. બીજી બાજુ પોતાને સામેલ કર્યા વગર યુક્રેનને સિક્યુરિટી બાબત કોઈપણ ચર્ચા માન્ય નહીં રહે તેવી રશિયાએ ચેતવણી ઉચ્ચારી છે.

આ મડાગાંઠને કારણે ક્રુડ તેલના ભાવ વધી બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ  પ્રતિ બેરલ ૬૨.૭૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ ૬૭ ડોલર મુકાતુ હતું.