નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામન ૧ ફેબુ્રઆરીએ તેમનું સતત નવમું બજેટ રજૂ કરશે. આ સાથે સીતારામન ૧૦ વખત બજેટ રજૂ કરવાના રેકોર્ડની નજીક આવશે, જે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. દેસાઈએ ૧૯૫૯-૧૯૬૪ વચ્ચે નાણામંત્રી તરીકે ૬ વખત અને ૧૯૬૭-૧૯૬૯ વચ્ચે ૪ વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના સિવાય, ભૂતપૂર્વ નાણા પ્રધાનો પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ અનુક્રમે ૯ અને ૮ વખત બજેટ રજૂ કર્યા હતા, જે વિવિધ વડા પ્રધાનોના કાર્યકાળ દરમિયાન રજુ કરવામાં આવ્યા હતા.
જો કે, સીતારામન સતત નવ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ જાળવી રાખશે, અને તેમણે વડા પ્રધાન નરન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તમામ આઠ બજેટ રજૂ કર્યા છે. આ પણ પોતાનામાં એક રેકોર્ડ છે. સીતારામનને ૨૦૧૯માં વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૪માં ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પણ નરેન્દ્ર મોદીએ સીતારામનને નાણા મંત્રાલયનો હવાલો સોંપ્યો હતો. અત્યાર સુધીમાં, તેમણે ફેબુ્રઆરી ૨૦૨૪ માં વચગાળાના બજેટ સહિત સતત આઠ બજેટ રજૂ કર્યા છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કુલ ૧૦ વખત બજેટ રજૂ કર્યું હતું.
બીજા નંબરે સૌથી વધુ બજેટ રજૂ કરનાર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ છે. તેમણે નવ વખત બજેટ રજૂ કર્યું છે. તેમણે ગૃહ પ્રધાન તરીકે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, ફરીથી નાણાં મંત્રાલયમાં પાછા ફર્યા અને ૨૦૧૩ અને ૨૦૧૪ માં બજેટ રજૂ કર્યા હતા.
પ્રણવ મુખર્જીએ તેમના કાર્યકાળ દરમિયાન આઠ વખત બજેટ રજૂ કર્યા હતા. તેમણે ૧૯૮૨, ૧૯૮૩ અને ૧૯૮૪માં અને ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું.
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ૧૯૯૧ થી ૧૯૯૫ સુધી સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું, જ્યારે તેઓ પી.વી. નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી હતા.
સીતારામન ૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ બે કલાક અને ૪૦ મિનિટ માટે પોતાનું બજેટ રજૂ કર્યું ત્યારે સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ ધરાવે છે. જયારે ૧૯૭૭માં એચ એમ પટેલનું વચગાળાનું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી ટૂંકું માત્ર ૮૦૦ શબ્દોનું હતું.


