Explainer: ભારતના વિદેશી હુંડિયામણમાં રૂ. 24,000 કરોડથી પણ વધુનો ઘટાડો, જાણો શું છે તેના કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India's Forex Reserves Drop : દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ(Forex Reserves)નો બહુ મોટો ફાળો હોય છે. હાલમાં જ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડાએ ચિંતા વધારી છે. થોડા સમય અગાઉ વિક્રમજનક સપાટીએ પહોંચેલા ભારતના વિદેશી હુંડિયામણમાં હવે અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. ચાલો જાણીએ કે આ ઘટાડો કેટલો છે, તેના આંકડા શું કહે છે અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે.
$2.691 અબજનો ઘટાડો!
30 ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના કુલ વિદેશી હુંડિયામણમાં $2.691 અબજનો ઘટાડો થયો છે. આ સાથે કુલ ભંડાર ઘટીને $717.056 અબજ પર આવી ગયો છે. રૂપિયાના મૂલ્યમાં વાત કરીએ તો આ ઘટાડો 24,777 કરોડ રૂપિયાનો છે, જેનાથી કુલ ભંડાર ઘટીને રૂ. 68.09 લાખ કરોડનો થયો છે.
વિવિધ સ્તરે થયેલા ફેરફાર
વિદેશી હુંડિયામણ મુખ્યત્વે ચાર બાબતોનો બનેલો હોય છે. ચાલો જોઈએ આ સપ્તાહમાં તેમાં કેવા ફેરફાર થયા.
- વિદેશી ચલણ સંપત્તિ (FCA): આ ભંડારનો સૌથી મોટો હિસ્સો છે. તેમાં $2.088 અબજનો મોટો ઘટાડો થયો છે અને તે $591.118 અબજ થઈ ગયો છે.
- સોનાનો ભંડાર (Gold Reserves): સોનાના ભંડારના મૂલ્યમાં પણ $559 મિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે, જેથી તે ઘટીને $102.591 અબજ પર પહોંચી ગયો છે.
- સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR): આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(IMF)ના SDRમાં $47 મિલિયનનો ઘટાડો થયો છે, જે હવે $18.558 અબજ છે.
- IMF પાસે અનામત: માત્ર આ એક જ ઘટકમાં $3 મિલિયનનો મામૂલી વધારો થયો છે, જે હવે $4.790 અબજ પર પહોંચ્યો છે.
ઘટાડા પાછળના ચાર મુખ્ય કારણો
- રૂપિયાને બચાવવાનો પ્રયાસ: ભારતીય રૂપિયાના મૂલ્યને સતત ઘટતું અટકાવવા અને તેના પરનું દબાણ ઓછું કરવા માટે રિઝર્વ બૅંક દ્વારા વિદેશી મુદ્રા બજારમાં ડૉલરનું વેચાણ કરાયું હતું. ભંડાર ઘટવાનું સૌથી મોટું કારણ આ હસ્તક્ષેપ છે.
- FCNR(B) ભંડોળનો ઉપયોગ: નિષ્ણાતોના મતે, વિદેશી ચલણ નોન-રેસિડેન્ટ બૅંક(FCNR[B])ના ભંડોળની તૈનાતી કે ઉપયોગને લીધે પણ આ ઘટાડો નોંધાયો છે.
- બિન-અમેરિકન ચલણના મૂલ્યમાં ફેરફાર: ભંડારમાં માત્ર ડૉલર નથી હોતો. યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય ચલણોના મૂલ્યમાં થયેલા ફેરફારની સીધી અસર વિદેશી ચલણ સંપત્તિ(FCA)ના કુલ મૂલ્ય પર પડી છે.
- સોનાના ભાવમાં વધઘટ: આ સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો, જેની સીધી અસર ભારતના ગોલ્ડ રિઝર્વના મૂલ્ય પર જોવા મળી છે.
લાંબા ગાળાની સ્થિતિ શું દર્શાવે છે?
આ ઘટાડો સાપ્તાહિક ધોરણે નોંધાયો છે, પરંતુ લાંબા ગાળાની સ્થિતિ ચિંતાજનક નથી. માર્ચ મહિનાના અંતથી લઈને અત્યાર સુધીમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં કુલ $25.949 અબજ(રૂ. 2.55 લાખ કરોડ)નો વધારો થયો છે. જો એક વર્ષ પહેલાના આંકડા સાથે તુલના કરીએ તો આ વધારો $27.324 અબજ (રૂ. 6.86 લાખ કરોડ)નો છે. આ એક વર્ષના ગાળામાં શું બન્યું?
- FCAમાં $26.527 અબજનો જંગી વધારો થયો છે.
- સોનાના ભંડારમાં પણ $865 મિલિયનનો વધારો થયો છે.
- IMF અનામતમાં $18 મિલિયનનો વધારો નોંધાયો છે.
- વાર્ષિક ધોરણે માત્ર SDR માં $87 મિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે.
અનામત સ્થિતિ મજબૂત છે
તાજેતરના સપ્તાહમાં ચલણ બજારની વધઘટ અને રૂપિયાને સ્થિર રાખવાના RBIના પ્રયાસોને લીધે ભંડારમાં ઘટાડો જરૂર નોંધાયો છે. આમ છતાં, ગયા વર્ષ અને માર્ચ 2026ના સ્તરની સરખામણીમાં ભારતની અનામત સ્થિતિ આજે પણ ઊંચા અને સુરક્ષિત સ્તરે જળવાઈ રહી છે.
નોંધનીય છે કે, વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર અમેરિકન ડૉલર જ નહીં, પરંતુ યુરો, પાઉન્ડ, યેન અને મોટો સોનાનો ભંડાર પણ સામેલ હોય છે. રિઝર્વ બૅંક આ તમામ સંપત્તિઓનું કુલ મૂલ્ય આંતરરાષ્ટ્રીય રિપોર્ટ માટે 'ડૉલર'માં અને ભારતીય રિપોર્ટ માટે 'રૂપિયા'માં દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને અન્ય દેશોના ચલણોના ભાવ ડૉલર અને રૂપિયા સામે સતત અલગ-અલગ રીતે બદલાતા રહે છે.
આ કારણસર રિપોર્ટમાં આપેલા આંકડા એ માત્ર ડૉલરનો સીધો ભાવ નથી, પરંતુ આ તમામ સંપત્તિઓનું મિશ્ર મૂલ્ય (Blended Value) છે. આ જ કારણ છે કે આ રિપોર્ટની ગણતરીઓમાં ડૉલરદીઠ રૂપિયાનું મૂલ્ય 92થી 95 રૂપિયા વચ્ચે બદલાતું જોવા મળે છે.




