Explainer: રૂ. 2,000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ, સમજો ગ્રાહકો-વેપારીઓને લગતા નિયમો સરળ શબ્દોમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New UPI Rules October 15 2026: MDR Charges, Merchant Fees & Free Limits Explained: આજકાલ આપણે સૌ UPI નો વત્તે ઓછે અંશે ઉપયોગ કરીએ જ છીએ। અમુક લોકો તો તેમના શક્ય એટલા બધા જ વ્યવહાર UPI દ્વારા કરે છે. ‘નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (NPCI) અને કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબર, 2026 થી નવો ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવા જઈ રહી છે. શું ખરેખર તમારા ખિસ્સા પર તેની કોઈ અસર પડશે?
તો ચાલો જાણીએ આવા તમામ પ્રશ્નોના જવાબો સરળ શબ્દોમાં…
પ્રશ્ન 1: નવો UPI નિયમ શું છે અને તે ક્યારથી અમલમાં આવશે?
જવાબ: NPCI ના નવા નિયમ હેઠળ મોટા વેપારીઓને 2000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે. બેંકો, ફિનટેક એપ્સ અને ચુકવણી એગ્રીગેટર્સને તેમના સોફ્ટવેર અને બિલિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે પણ આ તારીખ સુધીનો સમય અપાયો છે.
પ્રશ્ન 2: શું સામાન્ય ગ્રાહક તરીકે મારે UPI પેમેન્ટ કરવા માટે કોઈ ફી આપવી પડશે?
જવાબ: બિલકુલ નહીં. સામાન્ય ગ્રાહકો માટે UPI 100% મફત રહેશે. તમે મિત્રો કે પરિવારને ગમે તેટલી રકમ મોકલો એટલે કે પર્સન ટુ પર્સન (P2P) ટ્રાન્સફર કરશો તો કોઈ ચાર્જ નહીં લાગે. એવી જ રીતે, દુકાને જઈને QR કોડ સ્કેન કરીને માલ ખરીદશો તો પણ ચાર્જ નહીં લાગે. આ બંને કિસ્સામાં તમારી પાસેથી 1 પણ રૂપિયો ફી નહીં લેવાય. Google Pay, PhonePe કે Paytm જેવી એપ્સ પણ કોઈ પ્લેટફોર્મ ફી વસૂલશે નહીં.
પ્રશ્ન 3: તો પછી આ નવો MDR ચાર્જ કોને અને કેટલો લાગશે?
જવાબ: આ ચાર્જ માત્ર મોટા વેપારીઓ માટે છે અને તેની ગણતરી આ મુજબ છે.
- રૂ. 2000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ નહીં (0% MDR).
- રૂ. 2000થી વધુના વ્યવહારો પર પેમેન્ટના 0.4% ચાર્જ વેપારીએ ચૂકવવાનો રહેશે. ઉદાહરણ તરીકે.
- રૂ. 3000ના પેમેન્ટ પર રૂ. 12
- રૂ. 4000ના પેમેન્ટ પર રૂ. 16
- રૂ. 5000ના પેમેન્ટ પર રૂ. 20
- રૂ. 50,000ના પેમેન્ટ પ રૂ. 200
પ્રશ્ન 4: શું ખૂબ મોટા પેમેન્ટ પર કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે?
જવાબ: હા. રૂ. 75,000 કે તેથી વધુના વ્યવહારો માટે વધુમાં વધુ 300 રૂપિયાની મર્યાદા (Cap) છે. એટલે કે ગ્રાહક ભલે 1,00,000 રૂપિયા કે 5,00,000 રૂપિયાનું પેમેન્ટ કરે, વેપારીએ રૂ. 300થી વધુ ચાર્જ આપવો પડશે નહીં.
પ્રશ્ન 5: શું ચાની લારી વાળા, શાકભાજી વાળા કે નાના દુકાનદારોએ પણ આ ચાર્જ આપવો પડશે?
જવાબ: ના, નાના વ્યવસાયોને આ નિયમમાંથી સંપૂર્ણ મુક્તિ છે. જે દુકાનદારો કે શેરી વિક્રેતાઓ દર મહિને UPI દ્વારા કુલ 1,00,000 રૂપિયા સુધીનું પેમેન્ટ મેળવે છે, તેમને P2PM શ્રેણીમાં રખાયા છે. તેમના માટે તમામ પેમેન્ટ પર MDR 0% રહેશે. આંકડા મુજબ દેશના 95% થી વધુ નાના દુકાનદારોને આ ચાર્જમાંથી રાહત મળશે.
પ્રશ્ન 6: પેટ્રોલ પંપ, વીમા પ્રીમિયમ કે લાઈટ બિલ જેવા પેમેન્ટ માટે કોઈ અલગ નિયમ છે?
જવાબ: હા. જીવનજરૂરી સેવા જેમ કે રેલવે, ટેલિકોમ, વીમા પ્રીમિયમ, ઇંધણ (પેટ્રોલ પંપ) તેમજ વીજળી, પાણી, PNG બિલ માટે 0.4% ટકાવારીનો નિયમ લાગુ પડતો નથી. આ ક્ષેત્રોમાં રૂ. 2000થી વધુના પેમેન્ટ પર માત્ર રૂ. 5 ચાર્જ લાગશે. રૂ. 2000થી ઓછા પેમેન્ટ પર અહીં પણ શૂન્ય ચાર્જ છે.
પ્રશ્ન 7: જો કોઈ વેપારી આ ચાર્જના બહાને ગ્રાહક પાસે વધારાના પૈસા માંગે તો?
જવાબ: MDR એ વેપારીના વ્યવસાયનો ખર્ચ છે, ગ્રાહકનો નહીં. જો કોઈ દુકાનદાર એમ કહે કે તમારે UPI પેમેન્ટ માટે 0.4% વધુ આપવા પડશે, તો તે નિયમ વિરુદ્ધ છે. ગ્રાહકો આવું કરનાર વેપારી વિરુદ્ધ બેંક અથવા સંબંધિત સત્તાવાળાને ફરિયાદ કરી શકે છે.
પ્રશ્ન 8: આખરે NPCI ને આ ચાર્જ (MDR) ફરી શરૂ કરવાની જરૂર કેમ પડી?
જવાબ: દેશમાં દર મહિને અબજો UPI ટ્રાન્ઝેક્શન થાય છે. સર્વરને 24 કલાક ચાલુ રાખવા, છેતરપિંડી રોકવી અને સાયબર સુરક્ષા પૂરી પાડવી એ ખૂબ ખર્ચાળ છે. બેંકો અને પેમેન્ટ કંપનીઓ આ ખર્ચને પહોંચી વળવા માટે લાંબા સમયથી માંગ કરી રહી હતી. આ ફીમાંથી મળતા નાણાંનો ઉપયોગ UPI સિસ્ટમને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે થશે.
પ્રશ્ન 9: આ નવા નિયમથી સરકાર અને સિસ્ટમને શું ફાયદો થશે?
જવાબ: એકત્ર થનારા કુલ MDR ના 5% ફંડનો ઉપયોગ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નેટવર્ક મજબૂત કરવા માટે થશે. જો કે સરકાર સીધી ફી લેતી નથી, પરંતુ…
- વાર્ષિક અંદાજિત રૂ. 10,000 કરોડના MDR કલેક્શન પર 18% GST દ્વારા સરકારને 1800 કરોડની ટેક્સ આવક થઈ શકે છે.
- ફિનટેક અને બેંકોના વધતા નફા પર 22% થી 30% કોર્પોરેટ ટેક્સ મળશે.
- અગાઉ સરકારે UPI ને ટેકો આપવા જે વાર્ષિક 1500 થી 2000 કરોડની સબસિડી આપવી પડતી હતી, તે હવે બચી જશે.
પ્રશ્ન 10: ડેબિટ અને ક્રેડિટ કાર્ડ MDR ની તુલનામાં UPI MDR ઓછો છે કે વધારે?
જવાબ: UPI MDR બધા પરંપરાગત કાર્ડ-આધારિત વ્યવહાર શુલ્ક કરતા ઘણો ઓછો રખાયો છે. ત્રણેયની સરખામણી કરીએ.
- ક્રેડિટ કાર્ડ MDR: સામાન્ય રીતે પ્રતિ ટ્રાન્ઝેક્શન 1.5% થી 2.5% સુધી હોય છે.
- ડેબિટ કાર્ડ MDR: 0.90% સુધી હોય છે.
- UPI MDR: ₹2,000 થી વધુના વ્યવહારો માટે માત્ર 0.4% છે, જેમાં વધુમાં વધુ ₹300 ની મર્યાદા છે.
આમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સરખામણીમાં UPI નો ચાર્જ ઘણો ઓછો છે.




