Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી... 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર

By GS Team
26 Mar 20263 mins read
TukuTouch Logo
નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2026થી સામાન્ય જનતાના જીવન અને આર્થિક વ્યવહારોમાં 6 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ગેસના ભાવથી લઈને બૅન્કિંગ નિયમો સુધીના આ ફેરફારોની તમારા ખિસ્સા પર સીધી અસર પડશે

Summarized by AI; it may make mistakes. Check important info

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી... 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર

New Rules 1 April 2026: નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2026થી સામાન્ય જનતાના જીવન અને આર્થિક વ્યવહારોમાં 6 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ગેસના ભાવથી લઈને બૅન્કિંગ નિયમો સુધીના આ ફેરફારોની તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.

1. LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 એપ્રિલે પણ ઓઇલ કંપનીઓ રાંધણ ગેસ (LPG), સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી ઊર્જા કટોકટી વચ્ચે ભાવમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, વિમાન ઇંધણ(ATF)ના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

2. નવો ઇન્કમટેક્સ કાયદો અને ફોર્મમાં બદલાવ

1 એપ્રિલથી દેશના ટેક્સ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષ 1961થી ચાલતા જૂના આવકવેરા કાયદાને સ્થાને હવે નવો 'આવકવેરા કાયદા 2025' અમલમાં આવશે. આ નવા કાયદા મુજબ, અત્યાર સુધી નોકરિયાત વર્ગ માટે અત્યંત મહત્ત્વનું ગણાતું 'ફોર્મ 16' હવે બંધ થઈ જશે અને તેની જગ્યાએ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માટે એક નવું જ ફોર્મ આપવામાં આવશે. આ ઉપરાંત, બિન-પગારદાર આવક ધરાવતા લોકો માટે વપરાતા 'ફોર્મ 16A'નું નામ બદલીને હવે 'ફોર્મ 131' કરી દેવામાં આવ્યું છે. આ નવા ફોર્મ અંતર્ગત હવે દર ત્રણ મહિને વિગતો જાહેર થયાના 15 દિવસમાં જ જરૂરી માહિતી આપવાની રહેશે.

3. HDFC, PNB અને બંધન બૅન્કના ATM નિયમો

બૅન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફાર થવાના છે. HDFC બૅન્ક હવે ફ્રી ATM ટ્રાન્ઝેક્શનમાં UPI વિડ્રોઅલને પણ ગણતરીમાં લેશે, જેનાથી મફત ઉપાડની મર્યાદા જલ્દી પૂરી થઈ શકે છે અને ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ લાગશે. PNBએ દૈનિક ઉપાડની મર્યાદા ઘટાડીને 1 લાખથી 50,000 રૂપિયા કરી છે. બંધન બૅન્કે મેટ્રો શહેરોમાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની છૂટ આપી છે અને ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો 25 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે.

4. HRA ક્લેમ અને PAN કાર્ડ માટે કડક નિયમો

પગારદાર કર્મચારીઓ જો વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોય, તો મકાનમાલિકનો PAN નંબર આપવો હવે ફરજિયાત છે. નવા 'ફોર્મ 124' મુજબ મકાનમાલિક સાથેના સંબંધની સ્પષ્ટતા પણ કરવી પડશે. બીજી તરફ, હવે નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી; વધારાના સુરક્ષા દસ્તાવેજો આપવા અનિવાર્ય બનશે.

આ પણ વાંચો: ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત

5. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર IT વિભાગની નજર

જો તમે વર્ષ દરમિયાન ડિજિટલ માધ્યમથી 10 લાખથી વધુ અથવા રોકડમાં 1 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો તેની જાણકારી સીધી આવકવેરા વિભાગને પહોંચશે. જોકે, હવે ટેક્સ ભરવા માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. કંપની તરફથી મળેલા ક્રેડિટ કાર્ડનો વ્યક્તિગત ઉપયોગ કરવા પર હવે ટેક્સ લાગી શકે છે, પરંતુ ઓફિશિયલ કામ માટેના ખર્ચ ટેક્સ મુક્ત રહેશે.

6. પેટ્રોલમાં ઇથેનોલ અને પર્યાવરણના નવા ધોરણો

પર્યાવરણની જાળવણી માટે સરકારે 1 એપ્રિલથી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવા ઇંધણ માટે ગુણવત્તાના નવા ધોરણો પણ લાગુ થશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધવાની અપેક્ષા છે.