PFમાં 31 લાખથી વધુ ખાતા નિષ્ક્રિય! એટલું ફંડ પડ્યું છે કે 3 નવી IIT બની જાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPF Inoperative Account : દેશમાં પ્રોવિડન્ટ ફંડ (PF)ના 31 લાખથી વધુ ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે. એક RTI દ્વારા બહાર આવેલી વિગતો મુજબ, આ બંધ પડેલા ખાતાઓમાં કર્મચારીઓના 9,330 કરોડ રૂપિયાથી વધુની રકમ ફસાયેલી છે. સરકારે પીએફ ગ્રાહકો માટે જૂન 2026થી નવો EPF નિયમ લાગુ કર્યો છે, જેનો હેતુ નિયમો સરળ અને ડિજિટલ બનાવવાનો છે. પરંતુ આ સુધારાઓ વચ્ચે કરોડો રૂપિયા હજુ પણ બિનવારસી હાલતમાં પડ્યા છે.
3 નવી IIT બની જાય તેટલું નિષ્ક્રિય ખાતાઓના ફંડ
આ નિષ્ક્રિય ખાતાઓમાં એટલું ફંડ પડ્યું છે કે દેશમાં 3 નવી IIT આરામથી બની શકે છે. મોંઘવારીના વર્તમાન દર પ્રમાણે એક નવી IIT બનાવવા પાછળ આશરે 2,934 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ હિસાબે 9,330 કરોડ રૂપિયામાંથી 3 નવી IIT બન્યા પછી પણ 500 કરોડ રૂપિયાથી વધુની રકમ બચી જાય છે. આ રકમ કેન્દ્ર સરકારની ઉડાન યોજનાના કુલ ખર્ચ અથવા આયુષ્માન ભારત યોજનાના વર્ષ 2026-27ના બજેટ જેટલી જ મોટી છે.
દેશમાં 30,91,862 નિષ્ક્રિય ખાતા
EPFOના આંકડા અનુસાર 31 માર્ચ 2026 સુધીમાં દેશમાં 30,91,862 નિષ્ક્રિય ખાતા હતા. ગયા વર્ષની સરખામણીએ આ સ્થિતિમાં નજીવો સુધારો થયો છે. 31 માર્ચ 2025ના રોજ આવા ખાતાની સંખ્યા 31.83 લાખ હતી, જે આગામી વર્ષે ઘટીને 30.91 લાખ થઈ છે. તેની સાથે જ ખાતામાં જમા બિનવારસી રકમ પણ 10,181 કરોડ રૂપિયાથી ઘટીને 9,330 કરોડ રૂપિયા થઈ છે. આમ છતાં હજુ પણ લાખો કર્મચારીઓની નિવૃત્તિની બચત દાવો કર્યા વગર પડી રહી છે.
જૂનો આંકડો ઉપલબ્ધ નથી
આરટીઆઈમાં પાછલા 5 વર્ષના આંકડા માંગવામાં આવ્યા હતા જેથી જાણી શકાય કે આ સમસ્યા વર્ષોથી વધી રહી છે કે ઘટી રહી છે. જોકે EPFOએ જણાવ્યું કે તેમની પાસે માત્ર વર્ષ 2025 અને 2026ના જ આંકડા ઉપલબ્ધ છે, કારણ કે નિષ્ક્રિય ખાતાઓ માટેનો ખાસ વિભાગ વર્ષ 2025-26 દરમિયાન જ શરૂ કરવામાં આવ્યો હતો અને તે પહેલાંનો આવો કોઈ ડેટા અલગથી રાખવામાં આવ્યો નથી.
EPFO Accountઆરટીઆઈ હેઠળ આધાર કાર્ડ સાથે જોડાયેલા નિષ્ક્રિય ખાતાઓ અને તેના ઓટો-સેટલમેન્ટની સ્થિતિ વિશે પણ વિગતો માંગવામાં આવી હતી, પરંતુ EPFOએ નિયમોનો હવાલો આપીને આ ગોપનીય માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. આ ઉપરાંત જે ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા હોય તેવા મોટા નિષ્ક્રિય ખાતાઓની ચોક્કસ સંખ્યા પણ EPFOએ ઉપલબ્ધ ફોર્મેટમાં ન હોવાનું કહીને આપી નથી.









