Business

સોનુ-ચાંદી ખરીદતી વખતે 5 પોઇન્ટ ખાસ ધ્યાનમાં રાખશો નહીંતર હજારોનો ચૂનો લાગશે!

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
સોના-ચાંદીના દાગીના ખરીદનારાઓ માટે મહત્ત્વની સલાહ: જ્વેલરી શોપ પર ડિઝાઈન જ નહીં, પરંતુ BIS હોલમાર્ક, મેકિંગ ચાર્જ અને ભાવની ચોક્કસ તપાસ કરો. જ્વેલર્સ 30-50% સુધી વધુ મેકિંગ ચાર્જ વસૂલી શકે છે. ખરીદતા પહેલાં શહેરમાં સોના-ચાંદીના ભાવ તપાસી, પાકું બિલ લેવું અને પોતાની સામે વજન કરાવવું હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનુ-ચાંદી ખરીદતી વખતે 5 પોઇન્ટ ખાસ ધ્યાનમાં રાખશો નહીંતર હજારોનો ચૂનો લાગશે!

Smart Tips For Smart Gold Buyers: શું તમે પણ સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારાઈ રહ્યા છો? જો હા, તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મોટાભાગે લોકો જ્વેલરી શોપ પર જઈને માત્ર ડિઝાઈન પસંદ કરી લે છે અને સોનાના સાચા ભાવ, હોલમાર્કિંગ કે મેકિંગ ચાર્જની તપાસ કર્યા વગર જ ખરીદી કરી લેતા હોય છે. આવા સમયે જ્વેલર્સ અલગ-અલગ ડિઝાઈન પર 30થી 50 ટકા કે તેથી વધુ મેકિંગ ચાર્જ વસૂલી લેતા હોય છે, જેનાથી ગ્રાહકે જરૂર કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. ફાલતુ ખર્ચથી બચવા અને સાચા ભાવે જ્વેલરી ખરીદવા માટે નીચે દર્શાવેલી 5 મહત્ત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

દાગીનાની શુદ્ધતાની કરો તપાસ

જ્વેલરી ખરીદતી વખતે સૌથી પહેલાં તેની શુદ્ધતા તપાસો. સોનાની શુદ્ધતા અને ગુણવત્તાની અધિકૃત ઓળખ માટે 'હોલમાર્ક' સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. તેથી સોનું ખરીદતી વખતે હંમેશા Bureau of Indian Standards હોલમાર્ક ધરાવતું સોનું જ પસંદ કરવું, જેથી તમને યોગ્ય ક્વોલિટી અને સાચું મૂલ્ય મળી રહે.

દાગીના ખરીદતા પહેલાં જ જાણી લો સોના-ચાંદીના ભાવ

જ્વેલર્સ પાસે જતાં પહેલાં તમારા શહેરમાં સોના અને ચાંદીના તાજા બજાર ભાવ ખાસ ચેક કરી લો. આનાથી જ્વેલર દ્વારા લેવામાં આવતો રેટ વ્યાજબી છે કે નહીં તે જાણવામાં સરળતા રહેશે. બિલ બનાવતી વખતે સોના-ચાંદીનો રેટ, મેકિંગ ચાર્જ અને અન્ય ટેક્સ પણ ચકાસી લેવા જેથી ઓવરચાર્જિંગથી બચી શકાય.

મેકિંગ ચાર્જ વિશે ચોક્કસ પૂછો

દાગીના ખરીદતા પહેલાં અલગ-અલગ દુકાનો પર મેકિંગ ચાર્જ અંગે માહિતી મેળવો. જ્યારે તમને કોઈ જ્વેલરી પસંદ પડે, ત્યારે તેનું વજન, પ્રતિ ગ્રામ સોનાની કિંમત અને તેના પર લાગતો મેકિંગ ચાર્જ વિગતવાર પૂછી લો. અલગ-અલગ દુકાનોના ભાવની સરખામણી કરવાથી તમને બેસ્ટ ડીલ મળશે અને બિનજરૂરી ખર્ચ બચશે.

હંમેશા પાકું બિલ જ લો

ઘણીવાર લોકો ઉતાવળમાં કે જીએસટી બચાવવાની લાલચમાં પાકું બિલ લેતા નથી, પરંતુ આગળ જતાં આ જ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. જ્વેલરીની શુદ્ધતા, કિંમત, એક્સચેન્જ, બાયબેક કે કોઈ ફરિયાદના કિસ્સામાં પાકું બિલ જ સૌથી મોટો પુરાવો છે. તેથી બિલમાં લખેલી દરેક વિગત બરાબર ચકાસીને જ પાકું બિલ મેળવવું.

વજન ચેક કર્યા વગર ખરીદી ન કરો

સોનાના વજનમાં મામૂલી તફાવત પણ મોટી રકમનો ફેરફાર લાવી શકે છે, કારણ કે થોડા મિલીગ્રામ સોનાની કિંમત પણ સેંકડો કે હજારો રૂપિયામાં હોઈ શકે છે. તેથી દાગીના પસંદ કર્યા પછી ચૂકવણી કરતાં પહેલાં તેનું વજન પોતાની સામે કરાવો અને બિલમાં લખેલા વજન સાથે તેનો મેળ બેસાડો જેથી વધારાના પૈસા ન ચૂકવવા પડે.