Business

જુલાઈની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વૃદ્ધિની ગતિ ૫૩ મહિનાની નીચી સપાટીએ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી પ્રાપ્ત માહિતી અનુસાર, જુલાઈમાં ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ 53.30 પર પહોંચી 53 મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. HSBC ઈન્ડિયાના સર્વે રિપોર્ટ મુજબ, સ્થાનિક અને વિદેશી ઓર્ડરોની ગતિ ધીમી પડતાં વેપાર પ્રવૃત્તિ પર અસર થઈ હતી. નવી ભરતી અને નિકાસ ઓર્ડરમાં સાધારણ વધારો જોવા મળ્યો, જ્યારે કાચા માલના ભાવ ઘટતાં નફાકારકતા સુધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઈની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વૃદ્ધિની ગતિ ૫૩ મહિનાની નીચી સપાટીએ

સેવા ઉદ્યોગને ઘરઆંગણે તથા વિદેશમાંથી ઓર્ડરો મળવાની માત્રામાં ધીમો વધારો
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ બાદ જુલાઈની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ નબળી રહ્યાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. ગત મહિનામાં ભારતનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) નબળો પડી ૫૩ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. સ્પર્ધાના દબાણ તથા પૂછપરછ ઘટી જતા વેપાર પ્રવૃત્તિ પર અસર પડી હતી એમ એચએસબીસી ઈન્ડિયા પીએમઆઈ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જૂનમાં ૫૭.૪૦ રહ્યો હતો તે જુલાઈમાં ઘટી ૫૩.૩૦ રહ્યો હતો. જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
કેટલાક મહિનાઓ સુધી મજબૂત કામગીરી દર્શાવ્યા બાદ ભારતના સેવા ઉદ્યોગને ઘરઆંગણે તથા વિદેશમાંથી ઓર્ડરો મળવાની ગતિ ગત મહિને મંદ પડી હતી.
સેવા પૂરી પાડતી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં સાધારણ વધારો થયો હતો અને કાચા માલના ભાવ ઘટવાને પરિણામે પ્રોફિટ માર્જિનમાં વધારો થયો હતો જ્યારે કંપનીઓએ વેચાણ કિંમત વધારી હતી.
નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો ફેબુ્રઆરી, ૨૦૨૨ પછી સૌથી ધીમો રહ્યો હતો. ભારે સ્પર્ધા, મંદ માગ તથા ઓર્ડર મોકૂફી જેવા કારણોસર જુલાઈમાં નવા ઓર્ડરની વૃદ્ધિ ધીમી રહી હોવાનું સર્વેમાં ભાગ લેનારી કંપનીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.
સેવા ક્ષેત્રના ચાર મુખ્ય સેગમેન્ટ જેને સર્વેમાં આવરી લેવાયા હતા તેમાંથી માત્ર વીમા અને ફાઈનાન્સના વેચાણમાં ઝડપી વૃદ્ધિ રહી હતી.
નિકાસ મોરચે યુએઈ, યુકે તથા અમેરિકા ખાતેથી ઓર્ડરની સ્થિતિ સારી રહી હતી. જૂનમાં છ મહિનાની નીચી સપાટીએ રહ્યા બાદ કર્મચારીઓની ભરતી જુલાઈમાં સહેજ ઊંચી રહી હતી.
માગ તથા બજારની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા સાથે બિઝનેસ કોન્ફિડેન્સ પોઝિટિવ રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે જૂનમાં ૫૭.૧૦ રહ્યો હતો તે જુલાઈમાં ઘટી ૫૪.૩૦ રહ્યો હતો.