ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનું આકર્ષણ યથાવત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેબીની ચેતવણીની કોઇ અસર જોવા ન મળી
વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વેચાણમાં ત્રણ ગણો નોંધપાત્ર વધારો
મુંબઈ : વર્તમાન ૨૦૨૬ના વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાં ડિજિટલ ગોલ્ડના વેચાણમાં વાર્ષિક ધોરણે ત્રણ ગણો નોંધપાત્ર વધારો થયો છે. અનિયંત્રિત એવી ડિજિટલ ગોલ્ડ માર્કેટ સામે સાવચેત રહેવા સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની અવારનવાર ચેતવણી છતાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનું આકર્ષણ વધતુ જાય છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ડેટા પ્રમાણે જાન્યુઆરીથી જૂનના ગાળામાં યુપીઆઈ મારફત ડિજિટલ ગોલ્ડનો વેચાણ આંક રૂપિયા ૧૭૬૩૦ કરોડ રહ્યો છે.
૯૦ ટકાથી વધુ ડિજિટલ ગોલ્ડની ખરીદી એનપીસીઆઈ દ્વારા કાર્યરત યુપીઆઈ મારફત થાય છે. યુપીઆઈ દેશની એક સરળ ઓનલાઈન પેમેન્ટ વ્યવસ્થા છે.
૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં ડિજિટલ ગોલ્ડનો વેચાણ આંક રૂપિયા ૧૪૫૫૦ કરોડ રહ્યો હતો જેની સરખામણીએ ૨૦૨૬ના પ્રથમ છ મહિનાનો વેચાણ આંક ૨૧ ટકા વધુ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
વર્તમાન વર્ષના પ્રારંભમાં રૂપિયા ૪૦૦૦ કરોડના વેચાણ બાદ ડિજિટલ ગોલ્ડના મન્થલી વેચાણમાં સતત ઘટાડો થયો હતો. જૂનમાં આ આંક ઘટી રૂપિયા ૨૫૦૦ કરોડ પર આવી ગયો હતો.
ગયા વર્ષના નવેમ્બરમાં સેબીએ ડિજિટલ ગોલ્ડ અનિયંત્રિત છે તેવી ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ નવેમ્બરમાં વેચાણમાં ઘટાડો થયો હતો પરંતુ ડિસેમ્બર બાદ તેમાં ફરી વધારો શરૂ થયો હતો.
ડિજિટલ ગોલ્ડનું વેચાણ મોટેભાગે પેમેન્ટ, ફોનપે, ગુગલ પે જેવી પેમેન્ટ એપ્સ મારફત થાય છે.
કેટલાક ડિજિટલ નિષ્ણાતોએ પણ રોકાણકારોને ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતા પ્લેટફોર્મ્સ બંધ પડી જવાના કિસ્સામાં રોકાણકારો માટે તેમના નાણાં મેળવવાનું મુશકેલ બની જાય છે.
સોનાના ભાવમાં વધારો અને સેફ હેવન ગુણવત્તા તથા ઓનલાઈન મારફત ખરીદીમાં સરળતાને પરિણામે ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં રોકાણકારોના રસમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે.
અગાઉ સેબીએ જણાવ્યું હતું કે, 'ડિજિટલ ગોલ્ડ' પ્રોડક્ટસ સેબી દ્વારા નિયંત્રિત ગોલ્ડ પ્રોડક્ટસથી ભિન્ન છે, કારણ કે તે ન તો સિક્યુરિટીઝ તરીકે વર્ગીકૃત છે કે ન તો કોમોડિટી ડેરિવેટિવ્ઝ તરીકે નિયંત્રિત છે. ડિજિટલ ગોલ્ડ સંપૂર્ણપણે સેબીના કાર્યક્ષેત્રની બહાર કાર્ય કરે છે.
રોકાણકારોમાં સોનાની ખરીદી અથવા રોકાણમાં રસ વધી રહ્યો હોવાથી ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે, જે એવા પ્રોડક્ટસ ઓફર કરી રહ્યા છે, જે સેબી દ્વારા કોઈપણ રીતે નિયંત્રિત નથી.









