જૂન ક્વાર્ટરમાં FTA ભાગીદાર દેશોમાં ભારતની નિકાસ બમણી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિંગાપોરમાં નિકાસ ૧૦૧, શ્રીલંકામાં નિકાસ ૧૨૪, મલેશિયામાં ૭૫ અને દક્ષિણ કોરિયામાં ૨૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ
અમદાવાદ : વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મુક્ત વેપાર કરાર (એફટીએ) ધરાવતા ભાગીદાર દેશોમાં ભારતની નિકાસમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સિંગાપોર અને શ્રીલંકામાં નિકાસ બમણાથી વધુ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, આસિયાન અને ઈએફટીએ જૂથ સહિત વિવિધ દેશો અને જૂથો સાથે ૧૭ ફ્રી ટ્રેડ એગ્રિમમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેમાંથી ૧૬ કરાર અમલમાં આવ્યા છે.
સત્તાવાર માહિતી અનુસાર, એપ્રિલ-જૂન ૨૦૨૬ માં ભારતની સિંગાપોરમાં નિકાસ ૧૦૧.૨ ટકા વધીને ૬.૫૨ અબજ ડોલર થઈ છે, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં ૩.૨૪ અબજ ડોલર હતી. દરમિયાન, શ્રીલંકામાં નિકાસ ૧.૦૫ અબજ ડોલરથી ૧૨૩.૮ ટકા વધીને ૨.૩૫ અબજ ડોલર થઈ છે. એપ્રિલ-જૂન ૨૦૨૫-૨૬માં આસિયાન ક્ષેત્રમાં નિકાસ ૬૧.૬ ટકા વધીને ૧૪.૬૧ અબજ ડોલર થઈ. મલેશિયામાં એક્સપોર્ટ ૭૫.૨ ટકા વધીને ૨.૫૪ અબજ ડોલર અને ઓસ્ટ્રેલિયામાં ૨૫.૨ ટકા વધીને ૨.૬૮ અબજ ડોલર થયું છે.
યુકેમાં નિકાસ ૧૧.૧ ટકા વધીને ૩.૬૯ અબજ ડોલર થઈ તો દક્ષિણ કોરિયામાં નિકાસ ૨૨.૬ ટકા વધીને ૧.૯૫ અબજ ડોલર અને જાપાનમાં ૨૨.૪ ટકા વધીને ૧.૭૫ અબજ ડોલર થઈ. માહિતી અનુસાર, ઓમાનમાં નિકાસ ૨૬.૪ ટકા વધીને ૧.૩૯ અબજ ડોલર અને નેપાળમાં ૧૮.૧ ટકા વધીને ૨.૨૮ અબજ ડોલર થઈ છે.
ભૂટાન અને થાઈલેન્ડમાં નિકાસ અનુક્રમે ૧૬.૧ ટકા અને છ ટકા વધીને ૩૬ કરોડ ડોલર અને ૧.૨૩ અબજ ડોલર થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશની કુલ નિકાસ ૧૫.૯૨ ટકા વધીને ૧૨૯.૩૨ અબજ ડોલર થઈ છે.









