India Mobile News : ભારત સરકાર ટૂંક સમયમાં ગ્લોબલ માર્કેટમાં પોતાની સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની માહિતી કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન આપી છે.
આગામી 12થી 18 મહિનામાં લોન્ચિંગ
કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત આગામી 12થી 18 મહિનાની અંદર પોતાનો ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ રજૂ કરશે. સરકાર આ માટે તમામ જરૂરી પાયાની તૈયારીઓ (હોમવર્ક) પૂર્ણ કરી ચૂકી છે.
સિસ્ટમ હવે મેચ્યોર થઈ ચૂકી છે
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં હવે એક મજબૂત ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને આપણી સિસ્ટમ હવે મેચ્યોર છે. સરકારે આ હેતુ માટે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ અને આખા ઈકોસિસ્ટમના હિસ્સેદારો સાથે બેઠકો કરી છે, જેઓ મોબાઇલના તમામ સ્પેરપાર્ટ્સ બનાવે છે.
ગ્લોબલ બ્રાન્ડ્સને ટક્કર આપવાની તૈયારી
હાલમાં વૈશ્વિક સ્તરે અમેરિકાની Apple, કોરિયાની Samsung અને ચીનની Oppo, Xiaomi જેવી કંપનીઓનું વર્ચસ્વ છે. ભારત હવે આ કંપનીઓની હરોળમાં પોતાનો ગ્લોબલ બ્રાન્ડ ઊભો કરવા જઈ રહ્યું છે. મંત્રીના મતે, હવે એ સમય આવી ગયો છે જ્યારે ભારતીય બ્રાન્ડ વૈશ્વિક મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં દસ્તક દેશે.
AI દિગ્ગજો સાથે મુલાકાત
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન અશ્વિની વૈષ્ણવે ગૂગલ ડીપમાઇન્ડના CEO ડેમિસ હસાબિસ અને OpenAIના ચીફ ગ્લોબલ અફેર્સ ઑફિસર ક્રિસ લેહાન સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતમાં AI ક્ષેત્રની અપાર સંભાવનાઓ અને ભારતની મહત્ત્વની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.


