Business

શેરબજારના રોકાણકારોની આશા પર પાણી: ઇક્વિટી પરથી LTCG ટેક્સ હટાવવાનો સરકારનો સ્પષ્ટ ઇન્કાર

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
સરકારે લિસ્ટેડ ઈક્વિટી પર લાગતો લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ નાબૂદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે, રિટેલ અને સ્થાનિક રોકાણકારો માટે આ ટેક્સ હટાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. રોકાણકારોની માંગ છતાં, સરકારે 78%ના ટેક્સ કલેક્શન વધારાને ટાંકીને હાલ પૂરતો કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારના રોકાણકારોની આશા પર પાણી: ઇક્વિટી પરથી LTCG ટેક્સ હટાવવાનો સરકારનો સ્પષ્ટ ઇન્કાર

No LTCG Tax On Equities Says Government: સરકારે લિસ્ટેડ ઈક્વિટી પર લાગતો લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ નાબૂદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, રિટેલ અને સ્થાનિક રોકાણકારો માટે આ ટેક્સ હટાવવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણામાં નથી. રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સ તરફથી આ ટેક્સ પાછો ખેંચવાની વારંવાર માંગ કરવામાં આવી રહી હતી, કારણ કે, તેમનું માનવું છે કે, LTCG ટેક્સને કારણે લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળતું નથી અને રોકાણકારોનું રિટર્ન ઘટે છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વાર્ષિક બજેટ પ્રક્રિયાના ભાગરૂપે માઈક્રો-ઇકોનોમિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્સ નીતિઓની સમીક્ષા કરવામાં આવે છે, પરંતુ હાલ તેને નાબૂદ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.

LTCG ટેક્સ કલેક્શનમાં 78%નો જંગી વધારો

સરકારે આ નિર્ણય પાછળ ટેક્સમાંથી થતી આવકમાં થયેલા જંગી વધારાનો ઉલ્લેખ કર્યો છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આકારણી વર્ષ(Assessment Year) 2025-26માં ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પર LTCG ટેક્સમાંથી કલેક્શન રૂ. 1,29,158 કરોડ પર પહોંચ્યું છે. અગાઉના વર્ષે આ કલેક્શન રૂ. 72,249 કરોડ હતું. આમ, ટેક્સ કલેક્શનમાં વાર્ષિક ધોરણે લગભગ 78%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

હાલમાં કેટલો લાગે છે LTCG ટેક્સ?

જ્યારે લિસ્ટેડ શેર અથવા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડને 1 વર્ષથી વધુ સમય માટે હોલ્ડ કરીને વેચવામાં આવે છે, ત્યારે તેના પર થતાં નફાને લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ કહેવામાં આવે છે.

LTCG ટેક્સ: નાણાકીય વર્ષમાં રૂ. 1.25 લાખથી વધુના નફા પર 12.5% ટેક્સ લાગે છે, જ્યારે રૂ. 1.25 લાખ સુધીની કમાણી કરમુક્ત રહે છે.

STCG ટેક્સ: લિસ્ટેડ ઈક્વિટી પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ (STCG) ટેક્સ દર 20% છે.

આ દર જુલાઈ 2024ના કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવ્યા હતા, અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી.