Get The App

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
Meeting of GST Council

Meeting of GST Council: GST કાઉન્સિલની 3 અને 4 સપ્ટેમ્બરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં માલ અને સેવા કર (GST)ના હાલના 4 સ્લેબ ઘટાડીને 2 સ્લેબ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થશે. જીએસટી સંબંધિત બાબતોમાં નિર્ણય લેવા માટે જીએસટી કાઉન્સિલ સર્વોચ્ચ સંસ્થા છે.

જીએસટી કાઉન્સિલના સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે જીએસટી કાઉન્સિલની આ બે દિવસીય બેઠક નવી દિલ્હીમાં યોજાશે. કાઉન્સિલમાં કેન્દ્ર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓનો સમાવેશ થાય છે.

મંત્રી સમૂહોની ભલામણો પર થશે વિચાર-વિમર્શ

આ બેઠકમાં જીએસટીના ટેક્સ રેટને તર્કસંગત બનાવવા, Cess અને સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર રચાયેલા મંત્રીઓની ભલામણો પર વિચાર કરવામાં આવશે. મંત્રીઓએ આ જ અઠવાડિયે જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાના કેન્દ્રના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક સંમતિ આપી હતી.

કેન્દ્ર સરકારે જીએસટીના માત્ર 2 સ્લેબ - 5% અને 18% રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 'મેરિટ' કેટેગરીના ઉત્પાદનો અને સેવાઓ પર 5% અને 'માનક' કેટેગરીના ઉત્પાદનો અને સેવાઓ પર 18% જીએસટી લાગશે. આ ઉપરાંત, કેટલીક વૈભવી વસ્તુઓ માટે 40% જીએસટીનો એક અલગ સ્લેબ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

દેશમાં હાલ જીએસટીના 4 સ્લેબ લાગુ

જણાવી દઈએ કે સમગ્ર દેશમાં 1 જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં, વર્તમાન જીએસટી સિસ્ટમમાં 4 સ્લેબ છે - જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના રેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા ઉત્પાદનો પર cess પણ લાગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પરના તેમના સંબોધનમાં દિવાળી સુધીમાં જીએસટી ટેક્સના માળખામાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી હતી. જો જીએસટીનો નવો નિયમ લાગુ થાય તો રોજિંદા જીવનની ઘણી ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે. એન્ટ્રી લેવલની ગાડીઓ પણ સસ્તી થઈ જશે. આ ઉપરાંત, ટીવી અને એસીના ભાવ પણ ઓછા થશે.

12 અને 28 ટકાનો સ્લેબ ક્યારે હટાવાશે? આ તારીખે યોજાશે GST પરિષદની બેઠક 2 - image