Get The App

સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રૅકોર્ડ તૂટ્યો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રૅકોર્ડ તૂટ્યો 1 - image


Gold Market and Price News : વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં આ અઠવાડિયે સોનાના ભાવમાં જે અસ્થિરતા જોવા મળી છે તેણે વિશ્વના મોટા ગજાના અર્થશાસ્ત્રીઓને પણ ચોંકાવી દીધા છે. 'ધ કોબીસી લેટર'(The Kobeissi Letter)ના અહેવાલ મુજબ, સોનાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક જ ટ્રેડિંગ સેશનમાં $5.5 ટ્રિલિયન(અંદાજે ₹462 લાખ કરોડ)નો અભૂતપૂર્વ ફેરફાર જોવા મળ્યો છે. આ આંકડો સોનાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ-ડે સ્વિંગ છે.



મિનિટોમાં અબજો ડૉલરની કમાણી અને નુકસાન 

વિશ્લેષણ મુજબ, ગુરુવારે સવારે માત્ર 55 મિનિટના ગાળામાં સોનાએ તેના માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી $3.2 ટ્રિલિયન ગુમાવ્યા હતા. આનો અર્થ એ થયો કે દર મિનિટે સોનાએ અંદાજે $58 બિલિયનનું મૂલ્ય ગુમાવ્યું. જોકે, ત્યારબાદ બજારે યુ-ટર્ન લીધો અને બજાર બંધ થયું ત્યાં સુધીમાં સોનાએ ફરીથી $2.3 ટ્રિલિયનનું મૂલ્ય પાછું મેળવી લીધું હતું.

બિટકોઇન અને 2008ની મંદી સાથે સરખામણી

આ ઉતાર-ચઢાવ કેટલો મોટો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આખા બિટકોઇન માર્કેટની વેલ્યુ લગભગ $850 બિલિયન છે. એટલે કે સોનામાં માત્ર 6 કલાકમાં થયેલો ફેરફાર સમગ્ર ક્રિપ્ટો માર્કેટ કરતાં 3 ગણો મોટો હતો. નિષ્ણાતોના મતે, સોનામાં અત્યારે જોવા મળી રહેલી અસ્થિરતા 2008ની વૈશ્વિક આર્થિક મંદીના સ્તરને પણ પાર કરી ગઈ છે.

કેમ આવી રહી છે આટલી મોટી અસ્થિરતા?

બજારમાં આ ઉથલપાથલ પાછળ ઘણા કારણો જવાબદાર છે:

ભૌગોલિક-રાજકીય તણાવ: વિશ્વભરમાં વધી રહેલો યુદ્ધનો ખતરો અને અસ્થિરતા.

ટ્રેડ વોર અને ફુગાવો: મોંઘવારી અને દેશો વચ્ચેના વ્યાપાર યુદ્ધને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે.

અલ્ગોરિધમ ટ્રેડિંગ: આધુનિક ટ્રેડિંગમાં મોટા સોદાઓ સોફ્ટવેર અને અલ્ગોરિધમ દ્વારા થતા હોવાથી ભાવમાં ઝડપી ફેરફાર આવે છે.

2026માં ભાવ ક્યાં જશે?

ભારતીય બજાર(MCX)માં સોનાએ ₹1.8 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીએ ₹4 લાખ પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટી વટાવી છે. ગોલ્ડમેન સૅક્સ જેવી મોટી બૅંકોનું અનુમાન છે કે જો વૈશ્વિક અર્થતંત્રમાં આ જ રીતે અનિશ્ચિતતા રહેશે, તો વર્ષના અંત સુધીમાં સોનું $6,000 પ્રતિ ઔંસ (અંદાજે ₹5.51 લાખ) સુધી પહોંચી શકે છે.