સોના- ચાંદી, પ્લેટીનમ, ક્રૂડતેલમાં બેતરફી વધઘટ: ચીને ઓઈલ નિકાસ બંધ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાતા તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ વધવાની અસર
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. સોના- ચાંદીના ભાવ આજે ઉંચા ખુલ્યા પછી ઘટયા હતા પરંતુ દિવસના અંતે પાછલા બંધ ભાવની સરખામણીએ બંધ ભાવ એકંદરે ઉંચા રહ્યા હતા.વિશ્વબજારના સમાચાર ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધી રૂ.૨૨૬૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૧૮૭થી ૪૧૮૮ ડોલરવાળા ભાવ નીચામાં ૪૧૩૯ તથા ઉંચામાં ભાવ ૪૧૯૨ થઈ ૪૧૮૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૬૦.૬૮ વાળા નીચામાં ભાવ ૫૯.૯૬ તથા ઉંચામાં ભાવ ૬૧.૪૩ થઈ ૬૧.૨૧થી ૨૧.૨૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં દિવસના અંતે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૭૫૪૫ તથા ૯૯૯ના રૂ.૧૪૮૧૩૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર દિવસના અંતે રૂ.૪૦૦ વધી રૂ.૨૨૦૮૨૯ રહ્યા હતા. દેશમાં જવેલરીમાં હોલ માર્કિંગના દર નંગદીઠ રૂ.૪૫થી વધી ૭૫ થયા છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાતા તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં તેની અસર પણ આજે દેશના ઝવેરીબજારોમાં જોવા મળી હતી. ચીનના ક્રૂડઓઈલના રિફાઈનરોએ નિકાસ બંધ કર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૧૦૩.૩૦ ડોલરવાળા નીચમાં ભાવ ૯૬.૫૫ થઈ ૯૯.૮૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૦.૮૦ વાળા ૮૮.૭૯ થઈ ૯૦.૯૦ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ તથા યુએસ ક્રૂડના ભાવ વચ્ચેનો તફાવત ઘટયાના નિર્દેશો હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ આજે નીચામાં ઔંસના ૧૬૯૮ ડોલર તથા ઉંચામાં ભાવ ૧૭૭૮ થઈ ૧૭૭૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૮૧૯૨ વાળા રૂ.૫૯૦૨૪ થઈ રૂ.૫૮૫૩૪ રહ્યા હતા. વિશ્વબજારમાં પેલેડીયમના ભાવ ૧૧૯૨ ડોલર રહ્યા હતા.




