રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Rates Updates: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જે બાદ સોના અને ચાંદીના બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ટ્રમ્પે ગુરુવારે સવારે ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે ઈરાન યુદ્ધ અંગે અપડેટ આપતા કહ્યું કે, અમેરિકા જે લક્ષ્ય હાંસલ કરવા માંગતું હતું તે લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમે આગામી 2 થી 3 અઠવાડિયામાં એક મોટા એક્શન લઈશું.
ક્રૂડનો ભાવ ફરી 107 ડોલરને પાર
ટ્રમ્પના આ નિવેદન સાથે જ બજારમાં ફાળ પડી હતી. ભારતથી લઈને સમગ્ર એશિયાઈ બજારોમાં તેની અસર જોવા મળી. તેલના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો અને ક્રૂડનો ભાવ 107 ડોલરને પાર કરી ગયો. આ સાથે જ મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે તે પોતાના રેકોર્ડ હાઈ લેવલથી ઘણા નીચે આવી ગયા છે.
MCX પર ચાંદી 18,000 રૂપિયા તૂટી
મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ગુરુવારે ચાંદીના ભાવમાં આશરે 18,000 રૂપિયા અથવા 7 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે તે પ્રતિ કિલો 2,24,500 રૂપિયા પર આવી ગઈ. તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 4 ટકા અથવા 6,000 રૂપિયાથી વધુ ઘટીને 1,47,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.
રેકોર્ડ હાઈથી કેટલા સસ્તા થયા સોનું-ચાંદી?
સોના અને ચાંદીની કિંમતો તેમના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે ઘણી નીચે છે. MCX પર સોનાનો રેકોર્ડ હાઈ લેવલ 2,02,984 રૂપિયા છે, જે હવે ઘટીને 1.47 લાખ રૂપિયા પર છે. એટલે કે સોનું તેના રેકોર્ડ હાઈથી 55 હજાર રૂપિયા જેટલું સસ્તું થયું છે. ચાંદીની વાત કરીએ તો, તેનો રેકોર્ડ હાઈ ભાવ 4.39 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો અને આજે તે 2.24 લાખ રૂપિયા પર કારોબાર કરી રહી છે. આમ, ચાંદીની કિંમતમાં રેકોર્ડ હાઈથી 2.15 લાખ રૂપિયાનો જંગી ઘટાડો આવ્યો છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2026માં સોના અને ચાંદીએ પોતાનું રેકોર્ડ હાઈ લેવલ ટચ કર્યું હતું.
ઈન્ટરનેશનલ માર્કેટમાં શું હાલચાલ?
વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2.15 ટકા તૂટીને 4,710.95 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જ્યારે ચાંદીનો ભાવ 5.20 ટકા ઘટીને 72.108 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.
ગોલ્ડ-સિલ્વર ETFના ભાવ પણ ગગડ્યા
સોના અને ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર ETF (Exchange Traded Funds) પર પણ પડી છે. સિલ્વર ETF આશરે 5 ટકા સુધી ગગડ્યો હતો, જ્યારે ગોલ્ડ ETF માં પણ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.




