LRD Physical Test Result-2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળ (LRD) ની શારીરિક ક્ષમતા કસોટીનું મહત્ત્વનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ કસોટીમાં રાજ્યભરમાંથી લાખો યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો આગામી તબક્કા માટે ક્વોલિફાય થયા છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના 15 જેટલા કેન્દ્રો પર 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર થયેલા આ આંકડાઓમાં કોન્સ્ટેબલ અને PSI (Police Sub-Inspector) બંને કેડરના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોએ માત્ર PSI કેડર માટે ફોર્મ ભર્યા હશે, તેમની યાદી અલગથી હોઈ શકે છે, પરંતુ સંયુક્ત રીતે અત્યારે 2,63,344 ઉમેદવારોએ મેદાન માર્યું છે. જેમાં 1,73,112 પુરૂષ ઉમેદવાર, 89,405 મહિલા ઉમેદવાર અને 827 માજી સૈનિક ઉમેદવાર ઉતિર્ણ થયા છે.
અહીં ક્લિક કરો... પુરુષ ઉમેદવારોની યાદી
અહીં ક્લિક કરો... મહિલા ઉમેદવારોની યાદી
અહીં ક્લિક કરો... માજી સૈનિક ઉમેદવારોની યાદી
આ કસોટી દરમિયાન ઉમેદવારોના પ્રદર્શનની સઘન ચકાસણી કરવામાં આવી છે. દોડની કસોટી માટે RFID લેપ ડેટા અને CCTV ફૂટેજ જ્યારે શારીરિક માપણી માટે ઊંચાઈના ડેટા અને ફોટોગ્રાફ્સની ઝીણવટભરી તપાસ બાદ આ પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
લેખિત પરીક્ષા 14-06-2026 (રવિવાર) ના રોજ યોજાશે
આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 14 જૂન 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં ટેકનિકલ કે ક્લેરિકલ ભૂલને કારણે લાયક ઠર્યો હશે, તો તેની પસંદગી કોઈપણ તબક્કે રદ થઈ શકે છે.
વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ
પરિણામ જાહેર થયા બાદ, જો કોઈ ઉમેદવારને પોતાની વિગતો કે ગુણ બાબતે કોઈ વાંધો હોય, તો તેઓ 8 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત કરી શકશે. ઉમેદવારોએ જરૂરી પુરાવા અને કોલ લેટરની નકલ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર મારફતે અરજી મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
ઉમેદવારો માટે મહત્ત્વની વિગતો
- લેખિત પરીક્ષાની તારીખ: 14 જૂન 2026 (રવિવાર)
- વાંધા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: 8 એપ્રિલ 2026
- કેટેગરી: પુરુષ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારોના પરિણામ અલગથી જોઈ શકાશે.
ઉમેદવારોને વધુ વિગત અને પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.


