India

ભારતનો માસ્ટરસ્ટ્રોક! ચીનના દુશ્મન દેશને આપશે ઘાતક મિસાઈલો, રૂ.7100 કરોડની ડિફેન્સ ડીલની સંભાવના

By GS Team
5 Nov 20263 mins read
TukuTouch Logo
ચીન સાથેના તણાવ વચ્ચે ફિલિપિન્સ પોતાની દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા 60 મિસાઈલો અને 5 બ્રહ્મોસ સિસ્ટમ ખરીદશે. ભારત અને ફિલિપિન્સ વચ્ચે આ 700-800 મિલિયન ડોલરની ડીલ વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. અગાઉ 2022માં 375 મિલિયન ડોલરનો કરાર થયો હતો. આ ખરીદીથી મનિલાની દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનશે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનો માસ્ટરસ્ટ્રોક! ચીનના દુશ્મન દેશને આપશે ઘાતક મિસાઈલો, રૂ.7100 કરોડની ડિફેન્સ ડીલની સંભાવના

India-Philippines Defense Deal : ચીન સાથે વધતા તણાવ વચ્ચે ફિલિપિન્સ પોતાની દરિયાઈ તાકાત વધારવા માટે સક્રિય બન્યું છે. દેશ પોતાની સુરક્ષા મજબૂત કરવાના હેતુથી આશરે 60 મિસાઈલો અને 5 બ્રહ્મોસ સિસ્ટમ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં ભારત અને ફિલિપિન્સ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની વધારાની ખરીદી અંગેની વાટાઘાટો હવે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.

2022ના સોદા કરતાં મોડી ડીલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલિપિન્સ આશરે 700 થી 800 મિલિયન ડોલર (લગભગ 6,200 થી 7,100 કરોડ રૂપિયા)ની સંભવિત ડીલ હેઠળ 5 વધારાની બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ અને આશરે 60 મિસાઈલો ખરીદી શકે છે. ભારત અને ફિલિપિન્સ વચ્ચેનો આ પ્રસ્તાવિત કરાર વર્ષ 2022માં થયેલા 375 મિલિયન ડોલરના પ્રથમ બ્રહ્મોસ સોદા કરતાં ઘણો મોટો હશે. અગાઉના કરાર હેઠળ ફિલિપિન્સે તેની નૌકાદળ માટે બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદી હતી. હવે નવી ખરીદી દ્વારા મનિલા તેની દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાઈ વિસ્તારોની દેખરેખને વધુ મજબૂત કરવા ઈચ્છે છે.

ચીનના વધતા દબદબા સામે ફિલિપિન્સની તૈયારીઓ

દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપિન્સ વચ્ચે લાંબા સમયથી દરિયાઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં ચીનની વધતી જતી લશ્કરી પ્રવૃત્તિઓ અને બંને દેશો વચ્ચેના સતત સંઘર્ષને કારણે ફિલિપિન્સ તેની સંરક્ષણ તૈયારીઓને ઝડપી બનાવી રહ્યું છે. ફિલિપિન્સના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા આર્સેનિયો એન્ડોલોંગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે અગાઉ જ વધારાની બ્રહ્મોસ મિસાઈલો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના આધારે ભારત સાથેની વાટાઘાટો આખરી તબક્કામાં પહોંચી છે.

લશ્કરી જરૂરિયાતોની યાદી ભારત સાથે શેર કરી

ફિલિપિન્સના સંરક્ષણ સચિવ ગિલ્બર્ટો ટીઓડોરોએ દિલ્હી ડિફેન્સ ડાયલોગ દરમિયાન પણ બ્રહ્મોસ સિસ્ટમની વધારાની ખરીદી અંગે રજૂઆત કરી હતી. આ સિસ્ટમને ફિલિપિન્સની ઓપરેશનલ જરૂરીયાતો અનુસાર તૈયાર કરી શકાય તે માટે ભારત સાથે તેમની લશ્કરી જરૂરિયાતોની યાદી પણ શેર કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે બ્રહ્મોસની વધતી માંગ અને તાકાત

ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી વિકસાવવામાં આવેલી બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંની એક છે, જેની ઝડપ આશરે 2.8 થી 3 મચ છે. આ મિસાઈલ જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય છે અને તે દુશ્મનના યુદ્ધ જહાજો તથા જમીન પરના મહત્વના ઠેકાણાઓને સચોટ રીતે નિશાન બનાવવામાં સક્ષમ છે. પાછલા વર્ષે ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન બ્રહ્મોસના ઉપયોગ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મિસાઈલની માંગ અને ચર્ચામાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતના સંરક્ષણ નિકાસમાં રેકોર્ડબ્રેક વધારો

ભારત ઝડપથી પોતાના સંરક્ષણ નિકાસનો દાયરો વધારી રહ્યું છે. ફિલિપિન્સ ઉપરાંત ઈન્ડોનેશિયા અને વિયેતનામ સાથે પણ બ્રહ્મોસ મિસાઈલ અંગે સમજૂતીઓ થઈ છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE), થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશો સાથે સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ 62 ટકાથી વધુ વધીને 38,424 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. બ્રહ્મોસની વધતી વૈશ્વિક માંગ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગ, સંરક્ષણ ઉત્પાદન અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને નવી મજબૂતી આપી રહી છે.

ચીન માટે વધશે વ્યૂહાત્મક પડકાર?

ફિલિપિન્સને વધારાની બ્રહ્મોસ મિસાઈલોનો સંભવિત પુરવઠો માત્ર એક વ્યાપારી સોદો નથી, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બદલાતા વ્યૂહાત્મક સમીકરણોનો સંકેત છે. ભારતની વધતી સંરક્ષણ ભાગીદારી અને ફિલિપિન્સની લશ્કરી ક્ષમતાઓમાં વિસ્તરણથી દક્ષિણ ચીન સાગરમાં શક્તિ સંતુલન પર અસર પડી શકે છે. આ ડીલ પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ કૂટનીતિમાં ભારતની વધતી ભૂમિકાને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે.