મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો વેગથી આગળ વધ્યો હતો. જો કે આજે સવારે ભાવ નોંધપાત્ર નીચા ખુલ્યા પછી બાઉન્સ બેક થયા હતા. વિશ્વ બજારમાં ભાવ તૂટયા પછી પ્રત્યાઘાતી વધી આવ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, સોનાના વૈશ્વિક ભાવ ઔંસના ૪૮૯૪થી ૪૮૯૫ ડોલરવાળા આજે નીચામાં ભાવ એક તબકકે ૪૪૦૦ ડોલર નજીક જતા રહ્યા હતા. તે ભાવ ત્યારબાદ ફરી વધી ૪૭૫૯થી ૪૭૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં આજે બેતરફી મોટી ઉછળકુદ જોવા મળી હતી.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૨૫ હજાર તૂટી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ત્રણ દિવસમાં રૂ.૧ લાખ ૨૦ હજાર તૂટયા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે વધુ રૂ.૧૦ હજાર ગબડી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૮૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૩ દિવસમાં રૂ.૨૪ હજાર તૂટી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોેનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૬૦૦૦ વાળા નીચામાં ભાવ રૂ.૧૪૧૭૦૦ થઈ રૂ.૧૪૮૧૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ જીએસટી વગર રૂ.૧૫૬૫૫૦ વાળા નીચામાં ભાવ રૂ.૧૪૨૨૭૦ થઈ રૂ.૧૪૮૭૪૬ રહ્યા હતા. મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૮૫.૨૦ વાળા ગબડી નીચામાં ભાવ રૂ.૭૧.૩૮ સુધી ઉતરી ગયા પછી ભાવ ફરી વધી ૮૩.૧૬ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૯૫૦૦૦ વાળા તૂટી નીચામાં ભાવ રૂ.૨૩૬૪૯૬ થઈ રૂ.૨૫૯૫૦૦ના મથાળે બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૯૫ ડોલર વાળા નીચામાં ભાવ ૧૯૦૩ થઈ ત્યારબાદ ભાવ ૨૦૯૮ ડોલરપ રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૧૩ વાળા નીચામાં ભાવ આજે ૧૫૭૨ થઈ ૧૬૮૭થી ૧૬૮૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ મોડી સાંજે એક ટકો માઈનસમાં રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના નીચામાં રૂ.૬૩૫૪૦ થઈ છેલ્લે ભાવ રૂ.૬૫૯૫૭ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ આજે ૪થી ૫ ટકા તૂટતાં તેની અસર પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના તૂટી નીચામાં ૬૫.૪૫ થઈ ૬૫.૭૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૩૯ ડોલ ર ૬૧.૮૦ ડોલ ર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ ઘટી રહ્યાના સંકેતો મળતાં ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતર્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો ઘટતો અટકી ઝડપી ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજારમાં દેખાઈ હતી.


