Get The App

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવાનું કારણ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવાનું કારણ 1 - image

Investors lock in profits as Gold touches the sky!: ભારતીય રોકાણકારો માટે સોનું હંમેશા મુશ્કેલભર્યા સમયનું સાચું સાથીદાર રહ્યું છે. ડિજિટલ યુગમાં 'ગોલ્ડ ETF' એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સુરક્ષિત રોકાણના એક મજબૂત માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. જો કે, મે 2026માં આ ક્ષેત્રે એક અણધાર્યો અને મોટો વળાંક આવ્યો. વર્ષની શરૂઆતમાં સોનામાં અવિરત રોકાણ કરનારા રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવા) દોટ મૂકી છે. ચાલો જાણીએ શા માટે રોકાણકારોનું સુવર્ણ-વલણ અચાનક બદલાયું, અને આગામી સમયમાં આ વેચવાલીની સોના બજાર પર શું અસર પડી શકે છે.

મે 2026  ટ્રેન્ડ: ગોલ્ડ ઈટીએફમાંથી આઉટફ્લો

ઍસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા હાલના ડેટા અનુસાર, મે 2026માં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક મોટો ફેરફાર નોંધાયો છે. સોનાના ભાવમાં સતત વધારા અને રૅકોર્ડ હાઇ સપાટી વચ્ચે રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. ડેટા અનુસાર આ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાંથી આશરે $61 મિલિયન એટલે કે ₹700 કરોડથી વધુનો આઉટફ્લો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારોએ પૈસા ઉપાડ્યા હોય, જે બજારની બદલાતી સ્થિતિ તરફ ઇશારો કરે છે.

આ પણ વાંચો : VIDEO : PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત

રોકાણકારોની માનસિકતા કેમ બદલાઈ?

બજારના નિષ્ણાતોના મતે રોકાણકારોના આ બદલાયેલા વલણ પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળ છે.

1. પ્રોફિટ બુકિંગની સુવર્ણ તક: આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયા છે. જે રોકાણકારોએ નીચા ભાવે રોકાણ કર્યું હતું, તેમને ટૂંકા ગાળામાં જબરદસ્ત વળતર મળતાં તેમણે નફો બુક કરવાનું યોગ્ય માન્યું.

2. આયાત ડ્યુટીમાં વધારો: સરકારે સોના પરની આયાત ડ્યુટીને 6%થી સીધી વધારીને 15% કરી દીધી છે. આના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ અચાનક ખૂબ વધી ગયા, જેથી નવો ખરીદનાર વર્ગ સાવધ થઈ ગયો છે.

3. બજારની અસ્થિરતા: વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે રોકાણકારો તેમના પોર્ટફોલિયોને રિ-બેલેન્સ (ફરી સંતુલિત) કરી રહ્યા છે, જેથી તેઓ નફો પોતાના હાથમાં રાખી શકે.

જાન્યુઆરી 2026માં ગોલ્ડ ઈટીએફમાં રૂ. 24 હજાર કરોડનું રોકાણ 

જો આપણે નાણાકીય વર્ષ 2026ની શરૂઆત પર નજર કરીએ તો ત્યારે ચિત્ર તદ્દન અલગ હતું. જાન્યુઆરી 2026માં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાને સૌથી સુરક્ષિત રોકાણ (Safe Haven) મનાતું હતું. તે સમયે ગોલ્ડ ઈટીએફમાં રૅકોર્ડબ્રેક ₹24,000 કરોડથી વધુનું રોકાણ આવ્યું હતું, જે ઈક્વિટી ફંડ્સ કરતાં પણ વધારે હતું. 

આમ, સમગ્ર વર્ષમાં કુલ ₹68,000 કરોડથી વધુના વ્યવહાર થયા. એટલે કે આખા વર્ષમાં રોકાણકારોએ જેટલા રૂપિયાના ગોલ્ડ ઈટીએફ ખરીદ્યા (Inflow), તેમાંથી જેટલા રૂપિયાના યુનિટ્સ નફો બુક કરવા કે અન્ય કારણોસર વેચ્યા (Outflow), તે બાદ કરતાં વધેલી ચોખ્ખી રકમ ₹68,000 કરોડથી વધુ હતી. 

આ આંકડા દર્શાવે છે કે રોકાણકારો લાંબા ગાળા માટે સોનાને સુરક્ષિત માને છે, પરંતુ ટૂંકા ગાળામાં જ્યારે મોટો ભાવ વધારો થાય ત્યારે નફો લેવાનું ચૂકતા નથી. માર્ચ 2026થી આ રોકાણની ગતિ ધીમી પડી અને અંતે મે મહિનામાં તે માઇનસ(આઉટફ્લો)માં ફેરવાઈ ગઈ.

આ પણ વાંચો : ‘શાંતિપૂર્ણ દેશો’ની યાદી જાહેર, રેન્કિંગમાં અમેરિકાને મોટો ઝટકો, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબરે

હવે આગળ શું?

મે મહિનાના આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે વર્તમાન ઊંચા ભાવે રોકાણકારો નવું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે અને ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે ગોલ્ડ ઈટીએફમાંથી આ ઘટાડો કાયમી નથી, પરંતુ એક ટૂંકા ગાળાનો ટ્રેન્ડ (કામચલાઉ વલણ) છે. સોનાની આંતરિક કિંમત અને લાંબા ગાળાની સુરક્ષા હંમેશાં અકબંધ રહે છે. જો આગામી સમયમાં વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અથવા આર્થિક અનિશ્ચિતતા વધશે તો રોકાણકારો ફરી એકવાર ગોલ્ડ ઈટીએફમાં આકર્ષિત થઈ શકે છે અને રોકાણનો પ્રવાહ ફરી હકારાત્મક બની શકે છે.