Business

રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા

By GS TEAM
19 Aug 20252 mins read
રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા

મુંબઈ : રશિયા તથા યુક્રેન વચ્ચે  યુદ્ધવિરામ લાવવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી ઉપરાંત યુરોપના દેશોના કેટલાક નેતાઓની બેઠક પહેલા વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં ભાવ સ્થિર રહ્યા હતા. ક્રુડ તેલના ભાવમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા અમેરિકાના વ્હાઈટ હાઉસના સલાહકાર દ્વારા ભારતને જણાવાતા ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ સુધારો જોવા મળ્યો હતો.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ની અંદર સરકી રૂપિયા ૯૯૬૨૩ મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૯૯૨૨૪ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ પણ નરમ પડી જીએસટી વગર રૂપિયા ૧૧૪૦૫૦ મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૨૭૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૪૦૦   મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૫૫૦૦ કવોટ થતા હતા. 

વિશ્વબજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૩૪૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૨૩ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમનો ભાવ ઔંસ દીઠ ૧૩૩૭ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૨૨ ડોલર મુકાતુ હતું. રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા  ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઝેલેન્સકી સહિત યુરોપના કેટલાક નેતાઓની મળનારી બેઠક પૂર્વે કિંમતી ધાતુમાં પ્રમાણમાં સ્થિરતા જોવા મળી હતી. 

અમેરિકાના વ્હાઈટ હાઉસ ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહીં ખરીદવા ભારતને અનુરોધ કરતા ક્રુડ તેલના ભાવ ઊંચકાયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૨.૯૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૫.૯૯ ડોલર મુકાતુ હતું. રશિયાનું ક્રુડ ખરીદવા બદલ ચીન સામે પણ અમેરિકા ઊંચા ટેરિફનું શસ્ત્ર ઉગામશે તેવા અહેવાલ હતા.