ડોલર આપો પૈસા લો, બેંકોને RBIની ઓફર; સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI Dollar Swap Facility : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સ્વૈપ ફેસિલિટી (Swap Facility)ના માધ્યમથી પોતાના ફોરેક્સ રિઝર્વમાં 17.1 અબજ ડૉલર એકઠા કરી લીધા છે. સેન્ટ્રલ બેંકે આ સુવિધાની શરૂઆત જૂન મહિનામાં કરી હતી. આ રકમ FCNR(B) યોજના હેઠળ આવી છે. આનો અર્થ એ થાય છે કે, વિદેશી રોકાણકારો ભારતમાં બચત માટે પોતાના નાણાં રોકી રહ્યા છે. પહેલા આ નાણાં બેંકો પાસે જમા થાય છે, અને ત્યારબાદ બેંકો તેને RBI પાસે સ્વૈપ ફેસિલિટી હેઠળ જમા કરી દે છે. બેંકોને તેના બદલામાં એટલી જ રકમના રૂપિયા મળી જાય છે.
નબળા રૂપિયાના કારણે RBI અને સરકારની ચિંતા વધી ગઈ હતી, જેમાં હવે થોડી રાહત મળતી દેખાઈ રહી છે. FCNR(B) ડિપોઝિટ હેઠળ સ્વૈપ ફેસિલિટીથી 17.1 અબજ ડૉલર આવ્યા છે. આ સિવાય ઓવરસીઝ બોરોઈંગ દ્વારા 1.97 અબજ ડૉલર અને એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ (ECB)થી 1.34 અબજ ડૉલર દેશમાં આવ્યા છે. આ ત્રણેય રસ્તાઓથી RBI પાસે કુલ 20.7 અબજ ડૉલરની વિદેશી મુદ્રા આવી છે.
FCNR(B) શું છે?
FCNR(B)નું પૂરું નામ Foreign Currency Non-Resident (Bank) છે. આમાં RBI બેંકોને કહે છે કે, વિદેશમાં રહેતા લોકો (NRIs/વિદેશી રોકાણકારો) જે નાણાં ડૉલરમાં મોકલે છે, તે RBI પાસે જમા કરાવી દે અને બદલામાં રૂપિયો લઈ લે. ભારતીય બેંકો લોન રૂપિયામાં આપતી હોવાથી તેમના માટે આ ફાયદાકારક સોદો બને છે, કારણ કે તેમને લોન આપવા માટે પૂરતી રોકડ (Cash) મળી જાય છે, અને તેમાંથી તેઓ વ્યાજ કમાય છે. જ્યારે પણ બેંકોને ડૉલરની જરૂર પડે ત્યારે તેઓ રૂપિયા આપીને ડૉલર પાછા લઈ શકે છે.
સ્વૈપ ફેસિલિટી (Swap Facility) કેવી રીતે કામ કરે છે?
RBI એ જૂન મહિનામાં આ સ્વૈપ ફેસિલિટી શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ બેંકો RBIને ડૉલર આપે છે, અને RBI વચન આપે છે કે, જ્યારે બેંકો ભવિષ્યમાં ડૉલર પાછા લેશે, ત્યારે તેમને એ જ એક્સચેન્જ રેટ પર નાણાં પાછા મળશે, જે રેટ પર તેમણે RBIને ડૉલર આપ્યા હતા.
ઉદાહરણ તરીકે: જો બેંકે RBIને 1 ડૉલર આપ્યો, અને તે સમયે ભાવ 85 રૂપિયા હતો, તો ભવિષ્યમાં જો બજારમાં રૂપિયો ઘટીને 1 ડૉલર = 90 રૂપિયા થઈ જાય, તોપણ RBI બેંકને 1 ડૉલરના બદલે 85 રૂપિયાના હિસાબે જ ડૉલર પાછો આપશે. આમ, બેંકોને એક્સચેન્જ રેટના ઉતાર-ચઢાવનું કોઈ નુકસાન સહન કરવું પડતું નથી.
સામાન્ય માણસને આનો શું ફાયદો થશે?
RBIની આ સ્કીમ હેઠળ જ્યારે વિદેશમાંથી મોટી માત્રામાં ડૉલર ભારતીય તિજોરીમાં આવે છે, ત્યારે બજારમાં ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો મજબૂત બને છે, અને તેનું મૂલ્ય ઘટતું અટકે છે. રૂપિયો સ્થિર રહેવાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ અને ઈલેક્ટ્રોનિક સામાન ડૉલરમાં ચૂકવણી કરીને જ આયાત કરે છે.
રૂપિયો મજબૂત રહેવાથી આયાત મોંઘી થતી નથી, જેનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રહે છે.
આનાથી દેશમાં સર્વગ્રાહી મોંઘવારી વધતી અટકે છે, અને સામાન્ય માણસના રસોડાના બજેટ પર મોંઘવારીનો સીધો માર પડતો નથી.









