Business

જૂન માસમાં જેમ્સ જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં નોંધાયેલો ૨૬ ટકાનો વધારો

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી પ્રાપ્ત સમાચાર મુજબ, જેમ અને જ્વેલરી ઉદ્યોગ માટે જૂન મહિનો રાહતભર્યો રહ્યો છે. જૂનમાં દેશમાંથી જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 26.50% વધીને રૂપિયા 21010.78 કરોડ થઈ છે. સોનાની જ્વેલરીની નિકાસ 54% વધીને રૂપિયા 10330.51 કરોડ થઈ છે. કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ પણ 9% વધીને રૂપિયા 8040 કરોડ થઈ છે. અમેરિકા અને યુરોપથી માગ નીકળતા ઉદ્યોગમાં તેજી જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂન માસમાં જેમ્સ જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં નોંધાયેલો ૨૬ ટકાનો વધારો

કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની પણ વિદેશના બજારમાંથી નવેસરથી પ્રોત્સાહક માંગ નીકળી
મુંબઈ : અમેરિકાના ટેરિફ તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે છેલ્લા કેટલાક સમયથી પડકારોનો સામનો કરી રહેલા દેશના જેમ અને જ્વેલરી ઉદ્યોગ માટે જૂન મહિનો રાહતરૂપ સાબિત થયો છે. સમાપ્ત થયેલા જૂનમાં દેશમાંથી જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૬.૫૦ ટકા વધી રૂપિયા ૨૧૦૧૦.૭૮ કરોડ રહી છે. ડોલરના સ્વરૂપમાં આ આંક ૨.૨૧ અબજ ડોલર રહ્યો છે. ડાયમન્ડની નિકાસમાં પણ પ્રોત્સાહક વધારો જોવા મળ્યો છે.
ઉદ્યોગ તરફથી પ્રાપ્ત ડેટા પ્રમાણે, ગયા મહિને સોનાની જ્વેલરીની નિકાસ રૂપિયા ૧૦૩૩૦.૫૧ કરોડ (૧.૦૮ અબજ ડોલર) રહેવા પામી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૫૪ ટકા વધુ છે. ૨૦૨૫ના જૂનમાં આ આંક રૂપિયા ૬૦૪૭.૪૩ કરોડ રહ્યો હતો.
હીરા જડીત ગોલ્ડ જવેલરીની નિકાસ જૂનમાં ૮૫ ટકા વધી રૂપિયા ૬૦૧૯ કરોડ રહી હતી. એપ્રિલથી જૂનના ગાળામાં આ આંક વાર્ષિક ધોરણે ૨૦ ટકા વધી રૂપિયા ૧૫૬૫૨.૫૦ કરોડ રહ્યો હતો. જૂન મહિનો જ્વેલરી ઉદ્યોગ માટે પ્રોત્સાહક સાબિત રહ્યો હોવાનું કહી શકાય એમ છે.
રૂપિયામાં નબળાઈને કારણે પણ નિકાસ આંક મૂલ્યની દ્રષ્ટિએ ઊંચો જોવા મળી રહ્યો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક વાતાવરણમાં આવી રહેલી સ્થિરતાને કારણે પણ ખરીદદારો ખાસ કરીને યુરોપ તથા અમેરિકાના ખરીદદારો તરફથી માગ નીકળી રહી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
જૂન ત્રિમાસિક ગાળામાં સોનાના કોઈન્સ તથા મેડલિયન્સની નિકાસ વાર્ષિક ધોરણે ૮૬ ટકા વધી રૂપિયા ૧૬.૮૭ કરોડ રહી હતી.
આ વધારો વિદેશના રોકાણકારોના મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ પૂરું પાડે છે. ફુગાવા સામે ગોલ્ડ આજેપણ હેજિંગ તરીકે સલામત રોકાણ હોવાનું રોકાણકારો માની રહ્યા છે, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.
ચાંદી તથા પ્લેટિનમની જ્વેલરીની નિકાસ પણ જૂન ત્રિમાસિકમાં ૨૭ ટકા જેટલી વધી હોવાનું અનુમાન મુકાઈ રહ્યું છે.
ભારત ખાતેથી કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની કુલ નિકાસ પણ જૂનમાં ૯ ટકા જેટલી વધી રૂપિયા ૮૦૪૦ કરોડ રહી છે. ગયા વર્ષના જૂનમાં આ આંક રૂપિયા ૬૬૯૪ કરોડ રહ્યો હતો. વોલ્યુમની દ્રષ્ટિએ કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ જૂન ત્રિમાસિક ગાળામાં ૯ ટકા વધી ૩૯.૮૮ લાખ કેરેટસ રહી હતી.
ગયા વર્ષ સોના તથા ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ પહોંચ્યા બાદ તેમાં ૪૦થી ૪૫ ટકા કરેકશન આવ્યું છે. તેને જોતા પણ નીચા ભાવે કિંમતી ધાતુની જ્વેલરીની માગ નીકળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.