જેમ્સ જવેલરીની નિકાસ ઓકટોબરમાં ૩૪ ટકા વધીને ૨.૯૨ અબજ ડોલર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોના અને ચાંદીના દાગીનાની નિકાસમાં નોંધપાત્ર વૃદ્વિ : લેબગ્રોન ડાયમંડની નિકાસ ૮૧ ટકા વધી
મુંબઈ : ભારતના જેમ્સ અને જવેલરી ઉદ્યોગ માટે ઓકટોબર ૨૦૨૬નો મહિનો પ્રોત્સાહક રહ્યો છે. તહેવારો અને ક્રિસમસ સહિત વર્ષના અંતની રજાઓની ખરીદીની મોસમ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાંથી મજબૂત ઓર્ડરના કારણે ભારતની જેમ્સ અને જવેલરીની કુલ નિકાસમાં ગત વર્ષની સરખામણીએ ૩૪.૦૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ઓકટોબર ૨૦૨૬માં કુલ નિકાસ ૨.૯૨ અબજ અમેરિકન ડોલર (રૂ.૨૭,૮૬૨.૮૨ કરોડ) પર પહોંચી હતી. જ્યારે ઓકટોબર ૨૦૨૫માં આ આંક ૨.૧૮ અબજ ડોલરનો રહ્યો હતો.
જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના આંકડા મુજબ, રૂપિયાની દ્રષ્ટિએ નિકાસમાં ૪૪.૭૧ ટકાની વૃદ્વિ નોંધાઈ છે. ખાસ કરીને સોનાના દાગીના, ચાંદીના દાગીના અને લેબગ્રોન ડાયમંડની નિકાસમાં મજબૂત કામગીરી જોવા મળી છે. ઓકટોબરમાં સોનાના દાગીનાની નિકાસમાં ૪૮.૨૦ ટકા વધારો થઈને ૧.૨૬ અબજ ડોલર થઈ હતી. જેમાં સ્ટડેડ ગોલ્ડ જવેલરીની નિકાસ ૬૭.૩૦ ટકા વધીને ૮૭૫.૦૨ મિલિયન ડોલર નોંધાઈ હતી. ચાંદીના દાગીનાની નિકાસમાં પણ ૫૫.૫૨ ટકાનો ઉછાળો આવ્યો હતો અને એ ૨૦૩.૮૩ મિલિયન ડોલર પર પહોંચી હતી. પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં ૮૧.૦૨ ટકાની જંગી વૃદ્વિ થઈ છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ પણ ૧૦.૫૦ ટકા વધી છે.
જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જવેલરીની માંગ વધી રહી છે અને ઉદ્યોગ વૈશ્વિક ખરીદદારોની જરૂરિયાતો પૂરી કરવા સક્રિય છે. એપ્રિલથી ઓકટોબર ૨૦૨૬ દરમિયાન કુલ નિકાસ ૧૭.૨૨ અબજ ડોલર રહી હતી, જે ગત વર્ષ કરતાં ૭.૨૮ ટકા વધુ છે. નિકાસ બજારોમાં હોંગકોંગ, અમેરિકા અને બેલ્જિયમમાં સારી વૃદ્વિ નોંધાઈ છે. જો કે, ભારતના સૌથી મોટા નિકાસ બજાર યુએઈમાં નિકાસ ૧૦.૨૭ ટકા ઘટી છે.
ઉદ્યોગના મતે, આ વર્ષે દિવાળી નવેમ્બરમાં હોવાથી ઓકટોબરમાં ઉત્પાદન અને શિપમેન્ટ માટે વધુ સમય મળ્યો હતોય. ગત વર્ષે દિવાળી ઓકટોબરમાં હોવાથી ઉત્પાદન એકમોમાં રજાઓને કારણે કામકાજ પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત ક્રિસમસ અને વર્ષાંતની ખરીદીની મોસમને કારણે ભારતીય નિકાસકારોને આગામી મહિનાઓમાં પણ સારા વેપારની આશા છે.




