અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ સામે FIR, EPFO સાથે છેતરપિંડી મામલે CBIની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBI Files FIR Against Anil Ambani: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના કરોડો રૂપિયાના ફંડમાં મોટું નુકસાન પહોંચાડવા બદલ સીબીઆઈ (CBI) દ્વારા અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL) સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. જેમાં આરોપ છે કે, રિલાયન્સ કેપિટલના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)માં રોકાણ કરાવવાના બહાને EPFOને કુલ 1,816.22 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
શ્રમ મંત્રાલય અને EDની તપાસ બાદ પગલાં
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 21મી જુલાઈના રોજ છેતરપિંડી, ગુનાઈત કાવતરું અને EPFOને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ અને BDO ઈન્ડિયા એલએલપીના ઓડિટ રિપોર્ટમાં સાતમી ડિસેમ્બર, 2019થી છઠ્ઠી ડિસેમ્બર, 2021 વચ્ચે રિલાયન્સ કેપિટલ દ્વારા શંકાસ્પદ અને છેતરપિંડીભર્યા નાણાકીય વ્યવહારો થયા હોવાના પુરાવા મળ્યા હતા. કંપનીના ભંડોળનો દુરુપયોગ અને અનિયમિત ધિરાણના કારણે રિલાયન્સ કેપિટલનું પતન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
રિલાયન્સ કેપિટલે વર્ષ 2013 અને 2014 દરમિયાન સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) જાહેર કર્યા હતા. તે સમયે પોર્ટફોલિયો મેનેજરો દ્વારા EPFO ફંડ્સમાંથી 2500 કરોડ રૂપિયાનું રોકાણ આ ડિબેન્ચર્સમાં કરવામાં આવ્યું હતું, જે 2023 અને 2024માં મેચ્યોર થવાના હતા. જોકે, કંપનીની નાણાકીય સ્થિતિ ખાડામાં જતાં ડિબેન્ચર ધારકો પ્રત્યેની જવાબદારીઓ પૂરી થઈ શકી નહોતી, જેના પરિણામે EPFOને 1,816.22 કરોડ રૂપિયાનું સરભર ન થઈ શકે તેવું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અનિલ અંબાણીએ તમામ આરોપો નકાર્યા
CBIની આ કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતાં અનિલ અંબાણીના પ્રવક્તાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેમણે દાવો કર્યો કે, અનિલ અંબાણી 2005થી નવેમ્બર 2021 સુધી કંપનીના બોર્ડમાં બિન-કાર્યકારી ડિરેક્ટર અને ચેરમેન તરીકે હતા. નવેમ્બર 2021માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બોર્ડનું વિસર્જન કરીને એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી દીધી હતી. તે કોઈપણ ગેરરીતિમાં સામેલ નથી અને કાયદાકીય રીતે પોતાનો બચાવ કરશે.









