Explainer: પેટ્રોલ બાદ હવે CNGમાં પણ કરાશે બાયોગેસનું મિશ્રણ, જાણો શું છે ‘કોમ્પ્રેસ્ડ બાયો ગેસ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Blends Biogas Into CNG: દેશમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ (E20) ભેળવવા અંગેની ચર્ચા હજુ શમી નથી, ત્યાં હવે સ્વચ્છ અને સસ્તા ગણાતા CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ઇંધણમાં પણ મિશ્રણ શરૂ થઈ રહ્યું છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક સત્તાવાર વીડિયોએ વાહનચાલકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો દર્શાવે છે કે કેવી રીતે રોજિંદા ઉપયોગમાં લેવાતા CNG સાથે CBG (કોમ્પ્રેસ્ડ બાયોગેસ) ભેળવવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ તરફનું આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
શું છે CNG અને CBG વચ્ચેનો તફાવત?
સૌથી પહેલા તો CNG અને CBGમાં શું ફરક છે, એ સમજીએ.
- CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ): આ એક પરંપરાગત અશ્મિભૂત બળતણ (Fossil Fuel) છે, જેને જમીન અથવા સમુદ્રના પેટાળમાંથી ડ્રિલિંગ કરીને કાઢવામાં આવે છે.
- CBG (કોમ્પ્રેસ્ડ બાયોગેસ): આ સંપૂર્ણપણે રિન્યુએબલ (પુનઃપ્રાપ્ય) ઊર્જા છે. તે ગાયનું છાણ, ખેતીનો કચરો (પરાળી), ખોરાકનો એંઠવાડ અને મ્યુનિસિપલ કચરા જેવા જૈવિક કચરાનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ કરીને શુદ્ધ મિથેનમાં ફેરવીને તૈયાર કરવામાં આવે છે.
સૌથી મોટી વાત એ છે કે, CBG અને CNG બંને રાસાયણિક રીતે મુખ્યત્વે મિથેન (CH4) થી જ બનેલા છે.
ગોબરધન યોજનાનો ₹23,731 કરોડનો રોડમેપ
દેશમાં સ્વચ્છ ઊર્જા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર વર્ષ 2018થી 'રાષ્ટ્રીય પરિપત્ર બાયો-ઊર્જા યોજના - ગોબરધન' (Galvanizing Organic Bio-Agro Resources Dhan - GOBARDHAN) ચલાવી રહી છે.
- આ યોજના હેઠળ CBG ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારે ₹23,731 કરોડ ની જોગવાઈ કરી છે.
- આ જોગવાઈ ચાલુ નાણાકીય વર્ષથી શરૂ થઈને વર્ષ 2036 સુધી અમલમાં રહેશે.
મિશ્રણ તબક્કાવાર થશે
સરકારે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કમાં CBG ભેળવવા માટે સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કર્યા છે.
- વર્ષ 2026-27: 3% CBG મિશ્રણ
- વર્ષ 2027-28: 4% CBG મિશ્રણ
- વર્ષ 2028-29: 5% CBG મિશ્રણ
આમ, દર વર્ષે મિશ્રણમાં આશરે 1% નો વધારો કરવામાં આવશે.
BPCL પંપ પર કેવી રીતે મળશે આ ગેસ? શું વાહનમાં ફેરફાર કરવો પડશે?
- BPCLના જણાવ્યા અનુસાર, CBGને મુખ્ય CNG નેટવર્ક સાથે પ્રમાણસર ભેળવીને સીધું રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ/CNG પંપ) સુધી પહોંચાડવામાં આવે છે.
- કોઈ મોડિફિકેશન નહીં: આ મિશ્રણ માટે તમારે તમારી ફેક્ટરી-ફિટેડ કે આફ્ટરમાર્કેટ CNG કાર/વાહનમાં કોઈ જ મિકેનિકલ કે ટેકનિકલ ફેરફાર કરવાની જરૂર નથી.
- વાહનમાં આ ગેસ સામાન્ય CNGની જેમ જ સીધો ભરી શકાશે.
સૌથી મોટો સવાલ: શું કારનું માઇલેજ કે પર્ફોર્મન્સ ઘટશે?
E20 પેટ્રોલ આવ્યા બાદ માઇલેજ ઘટવાની ફરિયાદો ઊઠી હતી, તેથી CNG વાહનચાલકોમાં પણ ચિંતા છે કે શું CBG ઉમેરવાથી માઇલેજ ઘટશે?
- ઇન્ડિયન ઓઇલ (IOCL) અને ઓટોમોબાઇલ રિસર્ચ એજન્સીઓના ડેટા અનુસાર, CBGનું કેલરીફિક વેલ્યુ (ઉર્જા ક્ષમતા) આશરે 52,000 kJ/kg છે, જે સામાન્ય CNG જેટલી જ સમાન છે.
- બંને ગેસમાં 90% થી વધુ પ્યોર મિથેન હોવાથી એન્જિનના દહન (Combustion) પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.
- તેથી, સામાન્ય ડ્રાઇવિંગ સ્થિતિમાં કારના પીક-અપ, એન્જિન આયુષ્ય કે માઇલેજમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના નથી.
ઓટોમોબાઇલ અને ઓઇલ સેક્ટરમાં કંપનીઓની તૈયારી
માત્ર BPCL જ નહીં, સમગ્ર એનર્જી અને ઓટોમોબાઇલ ઉદ્યોગ આ ફેરફાર માટે સજ્જ થઈ રહ્યો છે. જેમ કે…
- ઓટો કંપનીઓનું રોકાણ: દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ પોતાના વાર્ષિક અહેવાલમાં 4 બાયોગેસ પ્લાન્ટ્સ સ્થાપવા માટે જંગી રોકાણની જાહેરાત કરી છે.
- ઇન્ડિયન ઓઇલ, HPCL અને GAIL: દેશભરમાં SATAT (સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન) પહેલ હેઠળ બાયોગેસ પ્રોજેક્ટ્સ ઝડપથી સ્થાપાઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં પાઇપલાઇન ગેસ (PNG) અને ઓટોમોબાઇલ CNG બંનેમાં દેશની આયાતી ગેસ પરની નિર્ભરતા ઘટી શકે.
ગ્રીન એનર્જી તરફ વધુ એક કદમ
CNG માં CBG નું મિશ્રણ એ દેશના પર્યાવરણ અને ઊર્જા સુરક્ષા બંને માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. તેનાથી ખેડૂતોને કચરામાંથી આવક થશે, વિદેશી ક્રૂડ-ગેસની આયાત ઘટશે અને વાહનચાલકોને કોઈ પણ પ્રકારના પર્ફોર્મન્સ નુકસાન વગર વધુ ઇકો-ફ્રેન્ડલી ઇંધણ મળશે. BPCLનો વીડિયો સંકેત આપે છે કે ભારત હવે ગ્રીન એનર્જીના આગામી તબક્કામાં પ્રવેશવા સંપૂર્ણ રીતે તૈયાર છે.









