Business

બદલાઈ ગયા EPFOના નિયમો: હવે વેબસાઈટથી એક્ટિવેટ નહીં થાય UAN, ડાઉનલોડ કરો આ એપ

By GS Team
3 Jul 20264 mins read
TukuTouch Logo
EPFOએ કરોડો ખાતાધારકો માટે મહત્ત્વના ફેરફારો કર્યા છે. હવે UAN એક્ટિવેશન અને નવો UAN જનરેટ કરવાની સુવિધા UMANG App પર જ ઉપલબ્ધ રહેશે. આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશનથી એકાઉન્ટ વધુ સુરક્ષિત બનશે. મૃત્યુ ક્લેમ સહિત અન્ય સેવાઓ યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર ચાલુ રહેશે. આ અપડેટ્સથી ઓનલાઈન કામગીરી ઝડપી અને સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બદલાઈ ગયા EPFOના નિયમો: હવે વેબસાઈટથી એક્ટિવેટ નહીં થાય UAN, ડાઉનલોડ કરો આ એપ

EPFO New Rules 2026 : દેશમાં પ્રોવિડન્ડ ફંડના કરોડો ખાતાધારકો માટે મહત્ત્વની અપડેટ સામે આવી છે. એક અઠવાડિયા સુધી બંધ રહેલું EPFOનું યુનિફાઈડ મેમ્બર પોર્ટલ હવે નવા અપડેટ અને અનેક ફેરફારો સાથે ફરી શરૂ થઈ ગયું છે. ખાતા ધારકો ઓનલાઈન કામગીરી ઝડપી કરી શકે, તેમના એકાઉન્ટની સુરક્ષા વધુ મજબૂત થાય તેમજ તેઓને શ્રેષ્ઠ સેવા મળી શકે તે માટે EPFOએ પોર્ટલને વધુ સરળ અને સુરક્ષિત બનાવી અપગ્રેડ કરી દીધું છે. આમાં સૌથી ફોટો ફેરફાર UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવેશન અને ડાયરેક્ટ UAN એલૉટમેન્ટમાં કરાયો છે. એટલે કે હવે આ બંને સુવિધા EPFOની વેબસાઈટ પરથી હટાવી દેવાઈ છે અને તેને UMANG App પર કાર્યરત કરી દીધી છે.

UAN આ મુખ્ય સુવિધા હવે માત્ર ‘ઉમંગ એપ’ પર

EPFOએ કહ્યું છે કે, હવે UAN એક્ટિવેશન અને નવો UAN જનરેટ કરાવવાની સુવિધા ‘ઉમંગ એપ’ પરથી જ કરી શકાશે. એટલે કે જો કોઈ કર્મચારીને પોતાનો UAN એક્ટિવેટ કરાવવો હોય અથવા પહેલી વખત UAN બનાવવાનો હોય તો તેમણે હવે EPFO પોર્ટલના બદલે ‘ઉમંગ એપ’નો ઉપયોગ કરવો પડશે અને તેની પ્રક્રિયા પુરી કરવા માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરાશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, કર્મચારીની ઓળખ થવાથી એકાઉન્ટ વધુ સુરક્ષિત બનશે.

UMANG એપ પરથી UAN કેવી રીતે એક્ટિવેટ કરવો?
જો તમે હજુ સુધી UAN એક્ટિવ કરાવ્યો નથી, તો
1… મોબાઈલમાં UMANG App ડાઉનલોડ કરો.
2… એપ ઓપન કરીને EPFO Services ખોલો
3… અહીં UAN Services Through Face Auth ખોલો
4… UAN Activation વિકલ્પ પસંદ કરો.
5… સ્ક્રીન પર આપેલી સૂચનાઓનું પાલન કરીને આધાર આધારિત ફેસ ઑથેન્ટિકેશન પ્રક્રિયા પુરી કરો.
6… પ્રક્રિયા પુરી થયા બાદ તમારો UAN એક્ટિવેટ થઈ જશે.

હવે નવો UAN પણ ‘ઉમંગ એપ’ પરથી મેળવી શકશો
અગાઉ EPFO પોર્ટલ પરથી નવો UAN બનાવી શકાતો હતો, જોકે હવે આ સુવિધા ત્યાંથી હટાવીને ‘ઉમંગ એપ’ પર ટ્રાન્સફર કરી દેવાઈ છે. એટલે કે, જો કર્મચારીનો PF એકાઉન્ટ છે, પરંતુ હજુ સુધી તે એકાઉન્ટનો UAN બનાવાયો નથી, તો તેઓ ‘ઉમંગ એપ’માં ‘UAN Allotment and Activation’ વિકલ્પ પસંદ કરીને નવો UAN મેળવી શકે છે. આ માટે મોબાઈલ નંબરની ખરાઈ કરવી અને જરૂરી સભ્યોની વિગતો ભરવી તેમ આધાર આધારિત ફેસ ઑથેન્ટિકેશન પ્રક્રિયા ફરજીયાત પુરી કરવી પડશે.

UAN ભૂલી ગયા છો? હવે સરળતાથી મળશે
નવા EPFO પોર્ટલ પર UAN Retrieval (UAN મેળવવાની) પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બનાવી દેવામાં આવી છે. જો તમને તમારો UAN યાદ ન હોય, તો પોર્ટલ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને માંગવામાં આવેલા ઓળખ અથવા સરનામાને લગતા દસ્તાવેજો અપલોડ કરો. આ પછી મોબાઈલ પર આવેલા OTP ને દાખલ કરીને તમે સરળતાથી તમારો UAN ફરીથી મેળવી શકો છો.

ડેથ ક્લેમની સુવિધા પહેલાની જેમ જ ચાલુ રહેશે
EPFO એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ડેથ ક્લેમ એટલે કે સભ્યના મૃત્યુ પછી ક્લેમ કરવાની સુવિધા હજુ પણ યુનિફાઇડ મેમ્બર પોર્ટલ (Unified Member Portal) પર ઉપલબ્ધ રહેશે. નોમિની (વારસદાર) કે લાભાર્થી પેન્શન અને અન્ય દાવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે લાભાર્થીનો આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર સક્રિય હોવો જોઈએ અને બેંક ખાતાની માહિતી તૈયાર રાખવી પડશે. અરજી દરમિયાન મૃત્યુ પ્રમાણપત્ર (ડેથ સર્ટિફિકેટ), બેંક પાસબુક અથવા કેન્સલ ચેક અને જન્મ તારીખના પુરાવા જેવા દસ્તાવેજો PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. દરેક ફાઈલની સાઈઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ અને ફાઈલના નામમાં સ્પેસ (જગ્યા) ન હોવી જોઈએ.

શું છે UMANG App?
UMANG (Unified Mobile Application for New-age Governance) એ ભારત સરકારની સત્તાવાર મોબાઈલ એપ છે, જેના દ્વારા નાગરિકો એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે. EPFO ની મોટાભાગની ઓનલાઈન સેવાઓ પણ હવે આ જ એપના માધ્યમથી ઉપલબ્ધ છે. આનાથી કર્મચારીઓને EPFO ઓફિસ જવાની જરૂરિયાત ઓછી થશે અને મોટાભાગના કામ ઘરે બેઠા મોબાઈલથી જ પૂરા કરી શકાશે.

EPFO ના નવા પોર્ટલ અને UMANG એપ દ્વારા સેવાઓને વધુ ડિજિટલ, સુરક્ષિત અને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમે EPF સભ્ય છો, તો હવે UAN ને લગતી સેવાઓ માટે UMANG એપનો ઉપયોગ કરવો એ જ સૌથી સરળ અને સત્તાવાર રસ્તો રહેશે.