Business

અલ નીનોનો ખતરો ટળ્યો : શેરોમાં સાંબેલાધાર તેજી : સેન્સેક્સ ૫૨૧ પોઈન્ટની છલાંગે ૭૮૨૮૫

By GS Team
7 Jul 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં મેઘરાજાના આગમનથી રોકાણકારોમાં ઉત્સાહ છવાયો છે. ફંડોની સક્રિયતાથી નિફ્ટી 159 પોઈન્ટ વધીને 24430 પર બંધ થયો હતો. બેંકિંગ, રિયાલ્ટી અને મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી. આને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.12 લાખ કરોડનો વધારો થયો છે. ચોમાસાની સક્રિયતા અને ક્રૂડના ભાવ ઘટતા બજારમાં હકારાત્મક માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ નીનોનો ખતરો ટળ્યો : શેરોમાં સાંબેલાધાર તેજી : સેન્સેક્સ ૫૨૧ પોઈન્ટની છલાંગે ૭૮૨૮૫

વિલંબ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચતા ફંડો શેરોમાં સક્રિય
નિફટી સ્પોટ ૧૫૯ પોઈન્ટ વધીને ૨૪૪૩૦ : બેંકિંગ, રિયાલ્ટી, મેટલ શેરોમાં તેજી : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૧૨ લાખ કરોડનો વધારો
મુંબઈ : અલ-નીનોની વિશ્વભરમાં ભીતિ અને વિશ્વને આ વખતે ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ યુદ્વ, યુક્રેન-રશિયા યુદ્વ બાદ અસાધારણ હીટવેવમાં અકળાવી મૂકનારી કુદરતી આફતે ચિંતામાં ગરકાવ કરી દીધા બાદ ચોમાસું નબળું રહેવાના ભયના ઓથાર હેઠળ જૂન મહિનો પણ વિતી જતાં સાવચેતી બાદ છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની તોફાની બેટિંગ શરૂ થઈ જતાં વરસાદની સાથે ભારતીય શેર બજારોમાં પણ હર્ષોલ્લાસ સાથે મેઘરાજાનું સ્વાગત કરી ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાંબેલાધાર તેજી કરી હતી. વૈશ્વિક મોરચે ઈરાન યુદ્વ પૂરું થતાં હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલ, એલપીજી બાદ બાદ હવે સંખ્યાબંધ જહાજો યુરિયાનો પુરવઠો લઈ ભારત તરફ આવવા રવાના થઈ જતાં કૃષિ ક્ષેત્રે પણ ચિંતા હળવી થતાં ફંડો શેરોમાં સાર્વત્રિક ખરીદદાર બન્યા હતા. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા અને જૂન મહિનામાં ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં સારી વૃદ્વિની પોઝિટીવ અસર જોવાઈ હતી. ફંડોએ ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, રિયાલ્ટી શેરોમાં મોટી ખરીદી કરી હતી. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં છેલ્લા બે દિવસની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેન્સેક્સ ૫૨૧.૧૬ પોઈન્ટ ઉછળીને ૭૮૨૮૫.૧૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૯.૫૦ પોઈન્ટ વધીને ૨૪૪૩૦.૩૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફરી તેજીનો જુવાળ : બજાજ ઓટો રૂ.૨૫૬, ટીવીએસ મોટર રૂ.૮૨ વધ્યા
જૂન મહિનાના વાહનોના વેચાણના પ્રોત્સાહક આંકડા અને હવે ચોમાસાના પોઝિટીવ પરિબળે વાહનોની ખરીદી આગામી દિવસોમાં મોટાપાયે વધવાની અપેક્ષાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં ફરી મોટી ખરીદી થઈ હતી. બજાજ ઓટો રૂ.૨૫૬.૬૫ વધીને રૂ.૧૦,૦૩૯.૮૫, ટીવીએસ મોટર રૂ.૮૨ વધીને રૂ.૩૭૦૮, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૩.૨૫ વધીને રૂ.૩૨૦૧.૧૫, હીરો મોટોકોર્પ રૂ.૯૦.૧૦ વધીને રૂ.૪૯૪૪.૬૫, આઈશર મોટર્સ રૂ.૧૨૯.૬૦ વધીને રૂ.૭૪૬૯.૭૦, અપોલો ટાયર રૂ.૬.૧૦ વધીને રૂ.૪૫૫.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૮૦.૩૯ પોઈન્ટ વધીને ૬૦૪૪૬.૭૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૯૪૦ પોઈન્ટની છલાંગ : પાવર ઈન્ડિયા રૂ.૧૩૩૭, જીવી રૂ.૧૫૮ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પાછલા સપ્તાહમાં મોટું પ્રોફિટ બુકિંગ થયા બાદ આજે ફંડો ફરી ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ખરીદદાર બન્યા હતા. પાવર ઈન્ડિયા રૂ.૧૩૩૭.૪૫ વધીને રૂ.૩૨,૩૫૬.૫૦, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૩૩ વધીને રૂ.૩૪૧૯.૨૫, જીવી ટી એન્ડ ડી રૂ.૧૫૮.૭૫ વધીને રૂ.૪૫૫૨.૮૦, સીજી પાવર રૂ.૩૨.૦૫ વધીને રૂ.૯૨૫.૧૫, થર્મેક્સ રૂ.૧૨૧.૨૫ વધીને રૂ.૪૭૩૩.૮૫, ડાટાપેટર્ન રૂ.૧૧૨.૩૫ વધીને રૂ.૪૬૨૧.૨૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૫૯૨.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૮ વધીને રૂ.૫૫૮૯, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૭.૫૦ વધીને રૂ.૪૨૫.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૨૦.૮૦ વધીને રૂ.૭૦૭૦.૫૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૪.૨૦ વધીને રૂ.૨૨૬૬.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૪૦.૫૬ પોઈન્ટ વધીને ૭૯૬૮૧.૩૯ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડો ફરી તેજીમાં આવ્યા : એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે આજે ઘટાડે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. એચડીએફસી બેેંક, એક્સિસ બેંક સહિતની ખાનગી બેંકો દ્વારા જૂન અંતના ત્રિમાસિકમાં ધિરાણ અને થાપણોમાં અપેક્ષાથી સારી વૃદ્વિ હાંસલ કરાતા અને ચોમાસાના પરિબળે આગામી દિવસોમાં ધિરાણ વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ ફંડો લેવાલ રહ્યા હતા. એચડીએફસી બેંક રૂ.૨૮.૭૫ વધીને રૂ.૮૨૯.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૪.૨૫ વધીને રૂ.૧૦૦૯.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૭૫ વધીને રૂ..૧૪૨૬.૦૫, ફેડરલ બેંક રૂ.૨.૯૫ વધીને રૂ.૩૩૦.૩૫, એયુ બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૦૬૦.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૯૧.૭૩ પોઈન્ટ વધીને ૬૫૯૪૨.૦૩ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજીનો ચળકાટ વધ્યો : હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો, એપીએલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે તેજીનો ચળકાટ વધતો જોવાયો હતો. યુદ્વની પરિસ્થિતિ હળવી થતાં અને વિશ્વભરમાં ફરી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોના નિર્માણ માટેની મોટી તકો ઊભી થવાની સાથે મેેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને ઘર આંગણે ઓરિસ્સા સહિતમાં માઈનીંગ ક્ષેેત્રે ખાનગી સાહસિકોના જંગી મૂડી રોકાણની યોજનાઓના આકર્ષણે ફંડોની મેટલ શેરોમાં ખરીદી વધી હતી. હિન્દાલ્કો રૂ.૨૮.૧૫ વધીને રૂ.૯૮૦.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૨૪૩.૩૦, નાલ્કો રૂ.૩.૨૫ વધીને રૂ.૩૫૦.૯૫, એપીએલ અપોલો રૂ.૧૫.૧૦ વધીને રૂ.૧૮૦૪.૩૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪.૮૦ વધીને રૂ.૭૦૩.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૧.૬૭ પોઈન્ટ વધીને ૪૦૯૦૯.૩૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તેજીનો સળવળાટ વધ્યો : ડિક્સન રૂ.૮૪૪, અંબર રૂ.૧૩૩ ઉછળ્યા
ચોમાસું સક્રિય બનતાં નબળા ચોમાસાનો ભય ટળતાં આગામી દિવસોમાં કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે હોમ એપ્લાયન્સિસની માંગ ફરી વધવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ખરીદી વધતી જોવાઈ હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૮૪૩.૯૦ વધીને રૂ.૧૩,૨૯૯, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૩૩.૧૫ વધીને રૂ.૭૬૧૫.૨૫, બ્લુ સ્ટાર રૂ.૧૪.૯૫ વધીને રૂ.૧૫૯૮.૫૫,એશીયન પેઈન્ટ રૂ.૧૬.૨૫ વધીને રૂ.૨૭૫૫.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૩.૦૫ વધીને રૂ.૫૨૨.૧૫, ટાઈટન કંપની રૂ.૨૪.૯૦ વધીને રૂ.૪૪૮૫.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૧૯.૯૮ પોઈન્ટ વધીને ૬૧૪૧૯.૩૮ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : ઓએનજીસી, રિલાયન્સ, ઓઈલ ઈન્ડિયા વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ઘટી આવતાં આજે ફરી ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની ખરીદી વધતી જોવાઈ હતી. ઓએનજીસી રૂ.૬.૧૦ વધીને રૂ.૨૪૩.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૧૩૨૧.૪૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૩.૧૦ વધીને રૂ.૪૨૫.૫૦, એચપીસીએલ રૂ.૧.૧૫ વધીને રૂ.૪૦૦.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૪.૯૩ પોઈન્ટ વધીને ૨૬૪૨૬.૦૧ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડોનું ફરી પ્રોફિટ બુકિંગ : ઝેનસાર, ઈન્નોવા, ઓરિએન્ટ ટેક, સાસ્કેન ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફરી ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૮.૫૫ ઘટીને રૂ.૪૭૭.૭૦, ઈન્નોવા રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૩૦૯.૭૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૫૬.૧૦, એક્સેલ સોફ્ટ રૂ.૨.૨૧ ઘટીને રૂ.૮૧.૧૭, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૭૬૯.૩૦, સાસ્કેન રૂ.૪૪.૮૦ ઘટીને રૂ.૨૦૪૯.૨૦, ઓરિઓન પ્રો રૂ.૧૭.૬૫ ઘટીને રૂ.૮૬૨.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૫૫.૮૬ પોઈન્ટ ઘટીને ૨૬૫૭૪.૬૦ બંધ રહ્યો હતો.
ચોમાસું સક્રિય થતાં અને મહાનગરોમાં પ્રોપર્ટીની માંગ વધતાં રિયાલ્ટી શેરોમાં શોભા, લોઢા, ગોદરેજ વધ્યા
મહાનગરો એનસીઆર સહિતમાં પ્રીમિયમ હાઉસીંગની માંગ વધ્યાના આંકડા અને વિલંબ બાદ ચોમાસું જામતાં પ્રોપર્ટીની માંગ વધવાની અપેક્ષાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં ખરીદી રહી હતી. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૩.૧૫ વધીને રૂ.૫૩૭.૪૦, લોઢા ડેવલપર્સ રૂ.૩૮.૭૦ વધીને રૂ.૧૦૯૫.૮૦, ફિનિક્સ રૂ.૫૯ વધીને રૂ.૨૧૦૭.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૧.૨૫ વધીને રૂ.૨૦૪૬.૮૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૫.૮૦ વધીને રૂ.૧૭૦૩.૫૦, શોભા ડેવલપર્સ રૂ.૧૬.૬૦ વધીન રૂ.૧૪૫૭.૩૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૨૬.૫૧ પોઈન્ટ વધીને ૭૦૭૭.૫૯ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૬૬ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓની ઉછાળે સાવચેતીમાં નફારૂપી વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૮૫ અને ઘટનારની સંખ્યા ૨૩૬૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૩૧ લાખ કરોડ
શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપમાં નફારૂપી વેચવાલી સામે ઈન્ડેક્સ અને એ ગુ્રપના શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૩૧ લાખ કરોડ રહ્યું હતું.