શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 900થી વધુ તો નિફ્ટીમાં 280 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sensex and Nifty Crash : સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં (Stock Market Crash) મોટા કડાકાની સ્થિતિ જોવા મળી છે. બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો જોરદાર કડાકા સાથે તૂટ્યા હતા, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાંથી અરબો રૂપિયા ધોવાઈ ગયા છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ (Sensex) પાછલા શુક્રવારના બંધ સ્તર 73,895 સામે ઘટીને 73,734 પર ખુલીને અચાનક 900 કરતા વધુ પોઈન્ટ સુધી તૂટ્યો હતો અને 72,981 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. આ જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) પણ ગત બંધ 23,140 સામે ઘટીને 23,065 પર ઓપન થયો હતો અને એક જ ઝાટકે 23,000 ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે ગગડી ગયો હતો, જે 280 પોઇન્ટના ઘટાડા સાથે 22,855 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચારેય બાજુ વેચવાલી અને મોટું નુકસાન
બજારમાં પ્રવર્તેલી આ મંદીને કારણે લાર્જ કેપથી લઈને સ્મોલકેપ સુધીના તમામ શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. BSE ના લાર્જ કેપ સેગમેન્ટના તમામ 30 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ખાસ કરીને HDFC Bank (1.90%), Kotak Bank (1.80%), SBI (1.60%), HUL (1.58%), Trent (1.56%), Bajaj Finance (1.40%), Reliance (1.35%) અને ICICI Bank (1.34%) ના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ ઇન્ડેક્સ (BSE Bankex) 1.60% અને IT ઇન્ડેક્સ 1.10% ગગડ્યા હતા. આ કડાકાને કારણે રોકાણકારોના રૂ. 6 લાખ કરોડથી વધુ ડૂબી ગયા છે.
બજારમાં ગરમાવો લાવતા મુખ્ય કારણો
શેરબજારમાં આવેલા આ અચાનક ભૂચાલ પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય જવાબદાર છે. અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં ગતિરોધ યથાવત છે અને અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની પ્રસ્તાવને ફગાવી દેવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમતો ભડકે બળી રહીછે. આ ઉપરાંત, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત કરવામાં આવી રહેલી જંગી વેચવાલી (શુક્રવારે રૂ. 3,600 કરોડથી વધુનું વેચાણ) ને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.




