નિફટી ૫૦૦ કંપનીઓમાં DIIનું હોલ્ડિંગ વધી ૨૧ ટકાની ટોચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત વેચવાલીથી એફઆઈઆઈનું હોલ્ડિંગ જૂન ત્રિમાસિકમાં ઘટી ૧૭ ટકા પર ઉતરી આવ્યું
બેન્ક, ટેલિકોમ, રિયાલ્ટી અને ટેક્નોલોજી ક્ષેત્રમાં હોલ્ડિંગ વધ્યું
મુંબઈ : જૂન ત્રિમાસિકમાં સતત નવમા ત્રિમાસિકમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરબજાર પર પક્કડ જળવાઈ રહી છે. નિફટી ૫૦૦ કંપનીઓમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ જૂન ત્રિમાસિકમાં વધી ૨૧ ટકાના વિક્રમી સ્તર પર પહોંચી ગયાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ડીઆઈઆઈથી વિપરીત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નું હોલ્ડિંગ આ ગાળામાં સતત વેચવાલીથી ઘટી ૧૭ ટકા સાથે નવી નીચી સપાટીએ પહોંચ્યું છે.
સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફત સતત પ્રવાહના ટેકા સાથે ડીઆઈઆઈએ જૂન ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં ૨૨.૮૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આમી સામે એફઆઈઆઈનો આ ગાળામાં ૧૩.૨૦ અબજ ડોલરનો આઉટફલો રહ્યો હતો.
પ્રતિકૂળ સમયમાં પણ એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં નાણાં નાખવાનું ચાલુ રાખ્યું છે. જૂન ત્રિમાસિકમાં દર મહિને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહ્યા છે.
જાહેર ક્ષેત્રની કંપનીઓની સરખામણીએ ડીઆઈઆઈનું રોકાણ ખાનગી કંપનીઓમાં વધુ જોવા મળી રહ્યું છે. ખાનગી કંપનીઓમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ વધી ૨૧.૮૦ ટકા સાથે ઓલટાઈમ હાઈ રહ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં આ આંક વાર્ષિક ધોરણે ૧.૪૦ ટકા વધી ૧૭.૩૦ ટકા રહ્યો છે.
બીજી બાજુ વિદેશી રોકાણકારોએ ખાનગી કંપનીઓમાં પોતાનું હોલ્ડિંગ વાર્ષિક ધોરણે ૨.૬૦ ટકા ઘટાડી ૧૯.૪૦ ટકા પર લાવી દીધું છે જ્યારે જાહેર ક્ષેત્રમાં હોલ્ડિંગ સહેજ વધારી ૯.૭૦ ટકા પર લવાયું છે.
ડીઆઈઆઈમાં મ્યુચ્યુઅલ ફન્ડો, બેન્કો, વીમા કંપનીઓ તથા પેન્શન ફન્ડોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો ડીઆઈઆઈએ ખાનગી બેન્કો, ટેલિકોમ, રિઅલ એેસ્ટેટ, ટેકનોલોજી સહિતના કેટલાક ક્ષેત્રોમાં પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે. આગળ જતા બજારની દિશો કોઈપણ હશે પરંતુ ડીઆઈઆઈ ભારતીય ઈક્વિટીસમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી લગભગ પૂરી થઈ છે પરંતુ તેઓ આક્રમક ખરીદી કરવાનું નજીકના ભવિષ્યમાં શરૂ નહીં કરે તેવો પણ રિપોર્ટમાં મત વ્યકત કરવામાં આવ્યો છે.









