DIIનું ઈક્વિટી રોકાણ રૂ. પાંચ લાખ કરોડને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૨૬માં સતત ત્રીજા વર્ષે પ્રોત્સાહક વલણ
ઘરેલુ રોકાણકારો દ્વારા ઓગસ્ટ ૨૦૨૩થી ત્રણ વર્ષમાં રૂપિયા ૧૯.૨૦ લાખ કરોડ ઠલવાયા
મુંબઈ : ૨૦૨૬માં સતત ત્રીજા કેલેન્ડર વર્ષમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નું ભારતીય ઈક્વિટીસ કેશમાં ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા પાંચ ટ્રિલિયન (લાખ કરોડ)ને પાર કરી ગયું છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૩.૪૮ટ્રિલિયનની નેટ વેચવાલી રહી છે.
ગયા સપ્તાહના અંત સુધીમાં ડીઆઈઆઈનું વર્તમાન વર્ષનું નેટ ઈક્વિટી રોકાણ રૂપિયા ૫.૧૩ ટ્રિલિયન પહોંચી ગયું છે. ગયા વર્ષના આ સમયગાળા સુધીમાં આ આંક રૂપિયા ૪.૪૮ ટ્રિલિયન રહ્યો હતો.
બેન્કો, ઘરેલું નાણાં સંસ્થાઓ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડસ વગેરેનો ડીઆઈઆઈમાં સમાવેશ થાય છે. ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં ઈક્વિટીસમાં એકંદર નેટ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા ૭.૮૮ ટ્રિલિયન રહ્યું હતું. જ્યારે ૨૦૨૪માં ડીઆઈઆઈએ ઈક્વિટીસમાં રૂપિયા ૫.૨૭ ટ્રિલિયન ઠાલવ્યા હતા.
૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં વિદેશી રોકાણકારોનો રૂપિયા ૧.૬૬ ટ્રિલિયનનો નેટ આઉટફલો રહ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩થી ત્રણ વર્ષની અંદર ડીઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં રૂપિયા ૧૯.૨૦ ટ્રિલિયનનું નેટ ઈન્વેસ્ટમેન્ટ કર્યુ હોવાનું શેરબજારના ડેટા જણાવે છે. આજ સમયગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૧૦ ટ્રિલિયન ઘરભેગા કરી લીધા છે.
ભારતીય અર્થતંત્રમાં મજબૂતાઈને કારણે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના ઈક્વિટી બજારમાં વધેલા વિશ્વાસ ડીઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટસમાં વધારો થવાનું એક કારણ રહેલું છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત ઈક્વિટીસમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ ટકી રહેવા પામી છે.
જૂન ત્રિમાસિકમાં સતત નવમા ત્રિમાસિકમાં નિફટી ૫૦૦ કંપનીઓમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ વધી ૨૧ ટકાના વિક્રમી સ્તર પર પહોંચી ગયાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. ડીઆઈઆઈથી વિપરીત એફઆઈઆઈનું હોલ્ડિંગ આ ગાળામાં સતત વેચવાલીથી ઘટી ૧૭ ટકા સાથે નવી નીચી સપાટીએ પહોંચ્યું છે.
પ્રતિકૂળ સમયમાં પણ એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં નાણાં નાખવાનું ચાલુ રાખ્યું છે. જૂન ત્રિમાસિકમાં દર મહિને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ખરીદદાર રહ્યા છે.









