Business

ક્રૂડતેલ ઉછળી ૧૦૫ ડોલર પાર: સોના- ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી તૂટયા

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
દેશમાં સોનાની દાણચોરી વધતા ભાવમાં રૂ. 8000નું ડિસ્કાઉન્ટ બોલાયું છે. મુંબઈ સહિતના બજારોમાં દાણચોરીના સોનાની આયાત આ વર્ષે 100 ટન થવાની ભીતિ સેવાઈ રહી છે. આયાત ડ્યુટી 6 થી વધી 15 ટકા થતાં દાણચોરીને પ્રોત્સાહન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલ ઉછળી ૧૦૫ ડોલર પાર: સોના- ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી તૂટયા

દેશમાં સોનાની દાણચોરી વધતાં ભાવમાં રૂ.૮૦૦૦ ડિસ્કાઉન્ટ બોલાયા : દાણચોરીના સોનાની ઈમ્પોર્ટ વધી ૧૦૦ ટન થવાની ભીતિ
મુંબઈ : વિશ્વબજારમાં આજે ક્રૂડતેલ બજારમાં તેજી આગળ વધતાં ભાવ વધુ ઉછળી બેરલદીઠ ૧૦૫ ડોલર વટાવી ગયા હતા. ક્રૂડ વધતાં મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો વધુ તૂટયો હતો અને તેની ઈમ્પેક્ટ પણ ઝવેરીબજાર પર દેખાઈ હતી. મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા.
દરમિયાન, ઈરાન અમેરિકાના યુધ્ધમાં ઘર્ષણ વધતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે વધુ વધી ઉંચામાં ૧૦૫.૮૪ થઈ ૧૦૫.૨૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૦.૦૨ ડોલર રહ્યા હતા. ઈરાન યુધ્ધના પગલે વિશ્વબજારમાં ઓઈલ ટેન્કરોના ભાડામાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થયાના વાવડ હતા. આવા ભાડા વધી ૮ લાખ ડોલર સુધી પહોંચ્યા હતા. દરમિયાન, અમેરિકામાં મિડટર્મ ચુંટણી પછી ક્રૂડના ભાવ ઘટશે એવા સંકેતો પ્રમુખ ટ્રમ્પે આપ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૪૩૪ ડોલર થયા પછી ઘટી નીચામાં ભાવ ૪૩૭૫ થઈ ૪૩૭૭ ડોલર રહ્યા હતા. ભારતમાં આ વર્ષે સોનાની ઈમ્પોર્ટ ડયુટી ૬થી વધી ૧૫ ટકા થતાં દેશમાં આ વર્ષે દાણચોરીના સોનાની આયાત વધી ૧૦૦ ટન થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશના ઝવેરીબજારોમાં આજે નોર્મલ બજાર ભાવ કરતા દાણચોરીના સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ.૮૦૦૦ નીચા બોલાઈ રહ્યાનું બજારમાં ચર્ચાઈ રહ્યું હતું.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૩૪૧૧ ખુલી રૂ.૧૫૨૬૭૩ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૦૨૮ ખુલી રૂ.૧૫૩૨૮૭ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૩૮૫૫૬ ખુલી રૂ.૨૩૩૬૪૨ બંધ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ઘટી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ જોકે રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔશના ૧૯૦૯ થયા પછી નીચામાં ભાવ ૧૮૩૫ થઈ ૧૮૩૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૬૭૧૩ ખુલી રૂ.૬૫૨૬૫ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં પેલેડીયમના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૩૬૪ તથા નીચામાં ૧૩૧૮ થઈ ૧૩૧૯થી ૧૩૨૦ ડોલર રહ્યાહતા. વૈશ્વિક કોપરના ભાવ ઉંચા મથાળે ચાર ટકા તૂટયા હતા.