Business

પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે પણ દેશના વેપારગૃહો દ્વારા ધિરાણ માંગ ઊંચી

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં જૂન ત્રિમાસિકમાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ 12.90% થી 26.50% રહી, જ્યારે થાપણ વૃદ્ધિ 8.50% થી 17.10% રહી. ધિરાણ અને થાપણ વૃદ્ધિ વચ્ચે 5.70% નો તફાવત ઊંચો રહેતા બેન્કો પર થાપણો વધારવાનું દબાણ વધ્યું છે. પશ્ચિમ એશિયા યુદ્ધ છતાં વેપારગૃહો દ્વારા ધિરાણની માંગ સ્થિતિસ્થાપક રહી છે, જેના કારણે બેન્કો થાપણો મેળવવા સંઘર્ષ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે પણ દેશના વેપારગૃહો દ્વારા ધિરાણ માંગ ઊંચી

થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનો તફાવત ઊંચો રહેતા બેન્કો પર દબાણ
મુંબઈ : જૂન ત્રિમાસિકમાં દેશની બેન્કિગ વ્યવસ્થામાં થાપણ વૃદ્ધિની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી છે. થાપણ વૃદ્ધિ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા અંતરને ધ્યાનમાં રાખી બેન્કો પર થાપણ વૃદ્ધિમાં વધારો કરવાનું દબાણ આવી ગયું છે. પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે પણ વેપારગૃહો દ્વારા ધિરાણ માગ સ્થિતિસ્થાપક રહી છે. આમ ધિરાણ વૃદ્ધિ સામે ટકી રહેવા બેન્કો પર થાપણ વૃદ્ધિને ઝડપી બનાવવાનું દબાણ વધ્યું છે.
જૂન ત્રિમાસિકમાં નાની-મોટી સહિત મોટાભાગની બેન્કોમાં ધિરાણ વૃદ્ધિનો આંક વાર્ષિક ધોરણે ૧૨.૯૦ ટકાથી ૨૬.૫૦ ટકાની વચ્ચે રહ્યો છે જ્યારે થાપણ વૃદ્ધિ ૮.૫૦ ટકાથી ૧૭.૧૦ ટકાની વચ્ચે જોવા મળી હોવાનું વિવિધ બેન્કોના તાજેતરના ત્રિમાસિક રિપોર્ટ પરથી જણાયું હતું.
પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પણ ભારતના અર્થતંત્રમાં મજબૂતાઈને પગલે ઉદ્યોગો તરફથી ધિરાણ માગ જળવાઈ રહી છે. બેન્ક ધિરાણ ઉપરાંત ઉદ્યોગો બોન્ડસ મારફત પણ નાણાં ઊભા કરી રહ્યા છે.
વર્કિંગ કેપિટલની આવશ્યકતા પૂરી કરવા ઉદ્યોગો દ્વારા ધિરાણ ઉપાડ વધુ જોવા મળી રહ્યો છે.
૧૫ જૂનના અંતે બેન્કોનો કુલ ધિરાણ આંક રૂપિયા ૨૧૫.૫૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણ આંક રૂપિયા ૨૫૮.૪૦ ટ્રિલિયન રહ્યો હતો. ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૭.૭૦ ટકા જ્યારે થાપણમાં ૧૨ ટકા વધારો થયો છે. આમ થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે ૫.૭૦ ટકા જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
થાપણો ઊભી કરવા સંઘર્ષ કરી રહેલી બેન્કો માટે રિઝર્વ બેન્કના તાજેતરના નિર્ણય ટેકારૂપ બની રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) અથવા એફસીએનઆર (બી) થાપણોને પ્રોત્સાહિત કરતી રિઝર્વ બેન્કની તાજેતરની વિન્ડોથી બેન્કોને થાપણ મેળવવામાં મદદરૂપ બની રહેશે તેવી બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો અપેક્ષા રાખી રહ્યા છે.