IPO-પ્રાઈમરી માર્કેટની આડમાં ડબ્બા ટ્રેડિંગ જેવું દૂષણ બેફામ બન્યું : રોકડામાં મોટાપાયે લેતી-દેતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેરોકટોક ગ્રે માર્કેટ ફેક પ્રીમિયમ બોલાવી ઈન્વેસ્ટરોને જાળમાં ફસાવતી સિન્ડિકેટ
પ્રી અને પોસ્ટ આઈપીઓ ઈસ્યુઓના ફોર્મ-અરજીઓના નામે કમિશન એજન્ટો દ્વારા બેફામ બનેલા ડબ્બા ટ્રેડિંગ જેવા દૂષણને પણ ડામવું એટલું જ જરૂરી બની ગયું છે
મુંબઈ : ઈન્વેસ્ટરોને કંપનીઓના ફંડામેન્ટલ હોય કે ન હોય પ્રાઈમરી માર્કેટમાં ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવી આપવાથી લઈને ઈસ્યુઓ છલકાવી દેવાની તમામ સગવડ કરી આપવાની 'ગેરકાયદે' સિન્ડિકેટ મોટાપાયે સક્રિય બનીને રોકાણકારોને પોતાની બિછાવેલી જાળમાં બેરોકટોક ફસાવી રહી છે. આ માટે આઈપીઓ-પ્રાઈમરી માર્કેટની આડમાં બેરોકટોક ગ્રે માર્કેટ ફેક પ્રીમિયમ બોલાવીને રોકાણકારોને જાળમાં ફસાવવા ડબ્બા ટ્રેડિંગ જેવું દૂષણ બેફામ બન્યું છે.
આઈપીઓ લાવવાનું કંપની દ્વારા જાહેર થવાની સાથે આ સિન્ડિકેટ દ્વારા કમિશન ધોરણે એપ્સ પર ફેક પ્રીમિયમ છપાવવાની શરૂઆત કરી દઈને ફેક એપ ઓપરેટરો, પ્રમોટરોની મીલિભગત થકી ઊંચા પ્રીમિયમ બોલાવાનો ખેલ શરૂ કરાય છે. જેને જોઈને રિટેલ રોકાણકારો અંજાઈ જઈને આઈપીઓમાં અરજીઓ કરવા દોટ લગાવતા હોય છે. ઈન્વેસ્ટરોને પણ આવી સિન્ડિકેટ ફોર્મ ભરવા લલચાવવા જો એસએમઈ આઈપીઓમાં શેર લાગ્યા તો, અરજી દીઠ ૨૫, ૫૦ હજાર જેવી માતબર રકમ ચૂકવવામાં આવશે એવી મૌખિક બાંયધરી આપતાં હોવાનું આ પ્રકારે આઈપીઓને અનેકગણા છલકાવી દેવા રીતસરનું ઓપરેશન પાર પડાતું હોવાનું કહેવાય છે. ઈસ્યુ અનેકગણા છલકાવાની સાથે શેરો લાગવાનું પ્રમાણ મર્યાદિત બની જતાં આ સિન્ડિકેટ કે ઓપરેટર દ્વારા અમુકને રકમની રોકડમાં લેતી-દેતી કરી દેવા સામે અન્ય અનેક રિટેલ રોકાણકારો આ આયોજનબદ્વ બિછાવાતી જાળમાં ફસાઈ જતાં હોય છે.
રિટેલ રોકાણકારોને ઈસ્યુઓમાં રોકાણ કરવા તાણી લાવવા, લાલચનો એવો માહોલ ઊભો કરાતો હોય છે કે, ઈન્વેસ્ટરો ઈસ્યુમાં રોકાણ કરવા મજબૂર બની જતાં હોય છે. જેની પાછળ ગ્રે માર્કેટમાં બોલાવવામાં આવતાં ફેક પ્રીમિયમ પ્રમુખ હોય છે. સિન્ડિકેટ દ્વારા જ ફેક આઈપીઓ પ્રીમિયમ એપ કે પ્લેટફોર્મ ઊભા કરીને ટકાવારીમાં કમિશન લઈ પૂરેપૂરો ઈસ્યુ ગેરકાયદેસર રીતે અન્ડરાઈટ કરવાનો અને રિટેલરોને બાટલીમાં ઉતારવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું કહેવાય છે.
ગ્રે માર્કેટમાં આઈપીઓ પૂર્વે બોલાવાતું ફેક પ્રીમિયમ વાસ્તવમાં ઈસ્યુ ખુલતા સમયે ઘટી જતું હોવાનું અને ઘણા કિસ્સામાં ઈસ્યુ બંધ થવા સમયે ડિસ્કાઉન્ટ બોલાવા લાગતું હોવાનું તાજેતરમાં જોવાયું છે. અહીં પ્રમોટરો પોતાને જોઈતી મૂડીનો વેત થઈ જાય છે, અને ઓપરેટરોની સિન્ડિકેટને ઈસ્યુ પાર પાડવા માટે લખલૂંટ કમિશન મળી જાય છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટરોને ગળામાં શેરો ફસાઈ જતાં હોય છે.
એક તરફ નિયામક તંત્ર દ્વારા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગના દૂષણને ડામવા માટે વખતોવખત પગલાં લેવાતા હોય છે, ત્યારે અત્યારે જ્યારે આઈપીઓ થકી પ્રાઈમરી માર્કેટમાંથી અબજો રૂપિયા એકત્ર કરી લેવાની હોડ ચાલી છે અને રેકોર્ડ મૂડી એકત્ર કરવામાં આવી રહી છે, ત્યારે પ્રી અને પોસ્ટ આઈપીઓ ઈસ્યુઓના ફોર્મ-અરજીઓના નામે બેફામ બનેલા ડબ્બા ટ્રેડિંગ જેવા દૂષણને પણ ડામવું એટલું જ જરૂરી બની ગયું છે.
અન્યથા પ્રમોટર-ઓપરેટરોની સિન્ડિકેટ દ્વારા આ કથિત ઓપરેશનમાં અનેક રોકાણકારો પ્રાઈમરી માર્કેટની ફાટમફાટ તેજીની જાળમાં ફસાઈ જશે અને બજાર પરનો રોકાણકારોનો વિશ્વાસ ઊઠી જશે.




